આગ્રા-

એસ.એન.મેડિકલ કોલેજની ડોક્ટર યોગિતા ગૌતમની હત્યા ખુલાસો થઈ ચુક્યો છે. આરોપી ડોક્ટર વિવેક તિવારીએ હત્યાની કબૂલાત પોલીસને આપી છે. પોલીસે શંકાના આધારે ડો વિવેકની અટકાયત કરી હતી ત્યારબાદ પુછપરછમાં ગુરુવારે સવારે પોલીસને વિવેકે કહ્યું કે તે અને યોગિતા સાથે લગ્ન કરવાના હતા તેઓ 7 વર્ષથી રિલેશનમાં હતા. જો કે, યોગિતા છેલ્લા કેટલાક સમયથી લગ્ન માટે ઉતાવળ કરવા લાગી હતી. આરોપીએ તેને કહ્યું હતું કે તેની બહેનના લગ્ન પછી તે લગ્ન કરશે. આ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

થોડા દિવસ પહેલા યોગિતાએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આ દરમિયાન તેનો મોબાઇલ પણ સતત વ્યસ્ત આવતો હોવાથી વિવેકને તેના પર શંકા થવા લાગી. ત્યારબાદ મંગળવારે એકવાર મળવાના બહાને તેણે યોગિતાને બોલાવી હતી. આ દરમિયાન કારમાં બંને વચ્ચે ફરીથી ઝઘડો થયો. 

ઝઘડો વધી જતાં રોષે ભરાયેલા વિવેકે યોગિતાનું ગળું દબાવી દીધું. જ્યારે તેને ખબર પડી તે યોગિતાના શ્વાસ ચાલે છે ત્યારે તેણે કારમાં રાખેલી ચાકુથી તેના પર હુમલો કર્યો અને તેનો મૃતદેહ ખાલી પ્લોટમાં ફેંકી દીધો. લોકોના ધ્યાનમાં મૃતદેહ ન આવે તે માટે તેણે તેને સળગાવવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ તે થયું નહીં.