અમદાવાદ-

રાજ્યસભાના સાંસદ અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું 71 વર્ષે બુધવારે એટલે 25 નવેમ્બરનાં રોજ નિધન થયું છે. તેમની છેલ્લા ઘણાં સમયથી કોરોનાની સારવાર પણ ચાલી રહી હતી. તેમની ચીરવિદાયથી વતન પીરામણ પણ શોકાતુર બન્યું છે. આજે સવારે 10 વાગ્યે તેમની દફનવિધિ તેમના ગામ પીરામણમાં છે. બુધવારે તેમનો નશ્વર દેહ વડોદરા એરપોર્ટ લવાયો હતો અને ત્યારબાદ અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલમાં કોલ્ડરુમમાં રાખવામાં આવ્યો છે. સ્વજનો પીપીઇ કિટ પહેરીને દફન વિધિમાં હાજરી આપશે. અહમદ પટેલની દફનવિધિમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી, અશોક ગહેલોત, કમલનાથ તેમજ અન્ય મોટા નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.

કૉંગ્રેસનાં ચાણક્ય અને ગાંધી પરિવારના નજીકના સાથી માનવામાં આવતા અહેમદ પટેલના અવસાનથી મોટો ફટકો પડ્યો છે. તેમને અંતિમ વિદાય આપવા માટે રાહુલ ગાંધી પણ ગુજરાત આવી પહોંચ્યા છે . રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પહોંચ્યા છે જ્યાંથી તેઓ પીરામણ જવા રવાના થયા છે. અંદાજે બે કલાક જેટલા સમયમાં બાય રોડ પીરામણ પહોંચી જશે. જ્યાં અહેમદ પટેલની દફનવિધિમાં હાજરી આપી બાય રોડ સુરત એરપોર્ટ જવા રવાના થશે.