અમદાવાદ-

નરોડા સૈજપુર બોધા રોડ પરની સૈજપુર ચોકીની બાજુમાં આવેલ ઈન્ક એનોમ નામની ઈન્ક બનાવતી કંપનીમાં મોડી રાતે આગ લાગી હતી. કંપનીમાં સોલવન્ટ અને કેમિકલ્સ હોવાના કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ફાયર બ્રિગેડની ટીમે ફાયર કોલ જાહેર કરવો પડ્યો હતો. આ સાથે જ ફાયરબ્રિગેડની 30 થી પણ વધુ ગાડીઓ આગ પર કાબુ મેળવવાની કામગીરી કરી રહી હતી. 7 કલાકની કામગીરી અને 3 લાખ લિટરથી પણ વધારે પાણીનો મારો કરીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં 3 ફાયર કર્મીઓને ઈજાઓ થવા પામી હતી. સદનસીબે આટલી મોટી ઘટનામાં કોઈ જાન હાની થઈ ન હતી.

નરોડા સૈજપુર બોધા રોડ પર સૈજપુર પોલીસ ચોકીની બાજુમાં આવેલ ઈન્ક એનોમ નામની ઈન્ક બનાવતી કંપનીમાં શુક્રવારે મોડી રાતે અચાનક આગ લાગી હતી. આગની જાણ કંપની માં રહેતા લોકોને થતા તેઓ ગભરાઈને કંપનીની બહાર દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડની ઘટનાની જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથધરવા લાગી હતી પરંતુ આગની તીવ્રતાને જોઈને ફાયરબ્રિગેડે ફાયર કોલ જાહેર કર્યો હતો. જેથી નાની મોટી 30 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. બીજી બાજુ આ કંપનીની આજુબાજુની કંપની અને વસાહતોને સાવચેતીના ભાગ રૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા હતા અને લોકોને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા. આ કંપનીમાં ક્રાફ્ટ પેપર, કોરૂગેટેડ બોર્ડ, પેપર બેગ, એચ.ડી.પી.ઈ. વુવેન બેગ, પેપર પોલીએસ્ટર પ્રિન્ટીંગ, મલ્ટી પરપઝ વિગેરેમાં પ્રિન્ટીંગ માટે વપરાતી વોટરબેઝ ફ્લેકસો ગ્રાફિક ઈન્ક તથા સોલવન્ટ બેઝ ફ્લેકસો ગ્રાફિક ઈન્ક, ગ્રેવુરે ઈન્ક,એસ.એસ પી.વી.સી ઈન્ક જેવી વિવિધ ઈન્કો બનતી હોવાના કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ફાયરબ્રિગેડને આગ બુઝાવવા માટે ભારે મહેનત કરવાનો વારો આવ્યો હતો. જો કે ફાયરબ્રિગેડની 7 કલાકની જહેમતભરી કામગીરી કરી 3 લાખ લિટરથી પણ વધારે પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આટલી મોટી ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.