અમદાવાદ-

શહેરમા નાની નોટ- મોટી નોટના નામે ઠગાઈ કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. સરખેજ પોલીસે ગેંગના એક આરોપીની ધરપકડ કરી છે. આ ટોળકીએ દિલ્હીના વેપારીને અમદાવાદમાં નોટોની ડિલ કરી કમિશનની લાલચ આપી રૂ 16 લાખ પડાવી લીધા હતા. ગુજરાતમા આ ગેંગએ અનેક લોકોને ચુનો લગાવ્યો છે. પોલીસે આ ટોળકીના ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

દિલ્હીના વેપારી સતીશકુમાર ગર્ગનો રેડીમેડ ગારમેન્ટ નો ધંધો છે. દિલ્હી ખાતે નજીકના વિસ્તારમાં જ દુકાન ધરાવતા અશોક કુમાર તનેજા કે જે ફ્રુટ જ્યુસ ની દુકાન ચલાવે છે તેમની સાથે તેમને એકાદ મહિના પહેલાં પરિચય થયો હતો. આ અશોકકુમારે તેઓને વાત કરી હતી કે તેમનો ઓળખીતો ઇમરાન ખાન પઠાણ અમદાવાદમાં તેના ઓળખીતા સુરેશ મોતા કે જે કચ્છનો રહેવાસી છે તે નાની ચલણી નોટો આપી તેના બદલામાં મોટી નોટો આપવાથી 10 ટકા કમિશન આપવાનું કામ કરે છે. જેથી વેપારીએ કમીશનની લાલચમા આવીને ટોળકી સાથે ડીલ કરી હતી. 

આ ડિલ માટે અમદાવાદ આવ્યા અને ઇમરાન દ્વારા ૧૦ ટકા કમિશન થી નાની ચલણી નોટોના બદલામા મોટી ચલણી નોટો બદલવાનું નક્કી કર્યુ હતું. સતિષકુમાર પોતાની સાથે આઠ લાખ રૂપિયા અને અન્ય વેપારી અશોકકુમાર તનેજા તથા રાજકુમાર ગાંધી પાસેથી પણ આઠ લાખ રોકડા લઈ આ ટોળકીને મળ્યા હતા. આ ટોળકીએ પૈસા બદલવાના બહાને રોકડ ભરેલી બેગ લઈને ગાડીમા છુમંતર થઈ ગયા હતા. વેપારીએ પોલીસ ફરિયાદ કરતા આ ગેંગનો એક આરોપી ઝડપાયો. પકડાયેલો આરોપી છેતરપિંડીનો બાદશાહ છે. સુરેશ ઉર્ફે બંસી મોતા નામનો ઠગ જે વેપારીઓને લાલચ આપીને લાખોનો ચુનો લગાવે છે. ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુ એ જણાવ્યું કે આ ઠગ ટોળકી ઘણા વર્ષોથી સક્રીય છે. તેઓની બે પ્રકારની મોડસ ઓપરેન્ડી છે. આ ટોળકીના સાગરીતો ગુજરાતના જુદા-જુદા શહેરો અને જીલ્લાઓમા ફેલાયેલા છે. જે વેપારીઓનો સંપર્ક કરીને તેઓને લાલચ આપે છે. મોટી નોટના બદલામા નાની નોટ આપીને 10 ટકા કમિશન અને સોનાના બિસ્કીટ બજાર કિમંતથી સસ્તા ભાવે આપવાનુ પ્રલોભન આપતા હોય છે. જે વેપારી તેમના વિશ્વાસમા આવી જાય ત્યારે તેઓ અન્ય શહેરમા ડીલ કરવા બોલાવતા હતા અને પૈસા લઈને ફરાર થઈ જતા હતા. આ પ્રકારે આ ટોળકીએ રાજકોટ અને અમદાવાદમા અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનુ તપાસમા ખુલ્યુ છે.