અમદાવાદ-

અમદાવાદ શહેરમાં આજકાલ કોરોનાના દર્દીઓમાં સતત ઘટાડો નોંધાતા રાજ્ય સરકાર દ્વારા અનલોક-4 માં અમદાવાદની એએમટીએસ અને બીઆરટીએસ બસોને પહેલાની માફક બાધાર રૂટો ઉપર દોડતી કરવાના આદેશ આપી દીધા છે. અત્યાર સુધી પૂર્વ વિસ્તારમાં એએમટીએસ અને બીઆરટીએસ બસોને દોડાવવા પર પ્રતિબંધ લાગેલો હતો જેથી પેસેન્જરોને પૂર્વ તરફ જવા માટે ફરજીયાત પણે પોતાના વાહન અથવા તો રીક્ષાનો સહારો લેવો પડતો હતો. પરંતુ આજથી તમામ રૂટ પર એએમટીએસ અને બીઆરટીએસ બસોને દોડાવવાની છુટ મળતા રાહદારીઓ માટે આનંદના સમાચાર છે.

કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે બસમાં 50% પેસેન્જર સાથે જ ફક્ત બસો દોડાવવી પડશે. અમદાવાદમાં અમ્યુટ્રાસ ની 149 રૂટો ઉપર 700 બસોની કાફલો આજથી દોડતો જોવા મળશે. અને 13 રૂટો ઉપર 222 જેટલી બીઆરટીએસ ની બસો સવારના 6 વાગ્યાથી રાત્રીના 11 વાગ્યા સુધી રાબેતા મુજબ ચાલતી જોવા મળશે.

કોરોના પેનડેમિકમાં સપડાયેલાં મેગા સિટી અમદાવાદના રહેવાસીઓ માટે આજે શહેરની લાઈફલાઈન જેવી જાહેર પરિવહન સિટી બસ સેવાનો પૂર્ણરુપે પુનઃઆરંભ કરવામાં આવ્યો છે. શહેરની જાહેર બસ સેવાના એએમટીએસ અને બીઆરટીએસના વહીવટીતંત્ર એ ગઇકાલે જાહેરાત કરી હતી કે કોરોના ગાઈડ લાઈન્સના ચુસ્ત અમલ સાથે બસ સેવા ફરી તમામ રુટ પર શરુ થશે. જોકે તંત્ર દ્વારા સેનિટાઈઝર અને ફરજિયાત માસ્ક જેવા નિયમનું પાલન તો કરાવાઈ રહ્યું હતું. પરંતુ શહેરવાસીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને તંત્રને સહકાર આપવામાં ઠાગાઠૈયાં કરતાં નજરે પડ્યાં હતાં.