અમદાવાદ-

શહેરમાં કોરોના સંક્રમણ વચ્ચે ટીબીની બીમારી પણ વકરી હોવાના આંકડાઓ સામે આવ્યા છે. શહેરમાં ટી.બી.ના રોગને કારણે ત્રણથી ચાર લોકોના મોત નીપજવાની માહિતી મળી રહી છે. એક નાગરિક દ્વારા કરવામાં આવેલી આરટીઆઈમાં અમદાવાદમાં  ટીબીને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે.

મહત્વનું છે કે, કોરોનાને કારણે અત્યાર સુધીમાં 2400થી પણ વધારે વ્યક્તિના મોત નીપજ્યા છે.વર્ષ 2019માં કુલ ટી.બી.ના 12,048 કેસ નોંધાયા હતા. જેમાંથી 723 લોકોના મોત નિપજ્યા હતા. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો કુલ 55,648 કેસ નોંધાયા છે જેમાંથી 3,358 લોકો ટી.બી.જેવી ગંભીર બીમારીમાં મોતને ભેટયા હતા. વર્ષ પ્રમાણે ટીબીનાં કારણે મોતનાં આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2019માં 723 લોકોનાં મોત, 2018માં 775 અને 2017માં 744 લોકોએ ટીબીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

વર્ષ 2017થી ટી.બી જેવી ગંભીર બીમારીને કારણે મોતનો આંકડો વાર્ષિક 700ને પાર જતો રહ્યો છે. શહેરમાં પૂર્વ વિસ્તારના કામદાર અને ગરીબ પરિવારોમાં આ રોગ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. શહેરના ભાઇપુરા, રખિયાલ, અસારવરા, અમરાઇવાડી, બાપુનગર, ઇન્ડિયાકોલોની સહિતના વિસ્તારોમાં આ રોગના મોટી સંખ્યામાં દર્દીઓ છે.