અમદાવાદ-

ગુજરાતમાં હવે કોરોનાનો કહેર ઓછો દેખાઈ રહ્યો છે. દિવાળી બાદ જે રીતે કેસોનો રાફડો ફાટ્યો હતો, તેવું ઉત્તરાયણના તહેવાર બાદ જોવા ન મળ્યું. લોકોએ પ્રસંગ ઉજવવામાં સંયમ રાખતા કોરોના વકર્યો નથી. ત્યારે અમદાવાદ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ખાનગી કોવિડ 19 ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં 94 ટકા બેડ ખાલી છે. કોરોનાના કેસો ઘટતાં હેલ્થ વર્કર્સ સહિત તંત્ર માટે પણ રાહતની ખબર છે.

અમદાવાદમાં હાલ AMC દ્વારા 90 ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના ઈલાજ માટે કરાર કરાયા છે. 90 ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 3395 બેડ ઉપલબ્ધ છે. હાલ માત્ર 232 બેડ પર જ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. આમ, આંકડા મુજબ, આજની સ્થિતિએ 3163 બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબૂમાં આવી રહ્યો છે. રાત્રિ કર્ફ્યૂ બાદ સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 485 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 709 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,46,516 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.