અમદાવાદ-

કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે અમદાવાદમાં બે દિવસનો કરફ્યૂ લગાવવામાં આવ્યો છે, જેથી અમદાવાદના રોડ લોકડાઉનના સમયની જેમ ફરી એકવાર સૂમસામ જોવા મળી રહ્યા હતા. જોકે, કરફ્યૂ દરમિયાન જાહેરનામાનો ભંગ કરવા બદલ 200થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

અમદાવાદ શહેરમાં ગઈકાલે શુક્રવારે રાત્રીના નવ વાગ્યાથી સોમવાર સવારે ૬ વાગ્યા સુધી સંપૂર્ણપણે કર્ફ્યૂનો અમલ શરૂ કરાયો છે, ત્યારે આજે કર્ફ્યૂની પ્રથમ સવારે અમદાવાદ શહેરના રસ્તાઓ સૂમસામ ભાસતા હતા. રાતદિવસ ધબકતું રહેતું અમદાવાદ કર્ફ્યૂમાં થંભી ગયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મંદિરોને પણ તાળાં લાગ્યાં હતાં. શહેરના માર્ગો પર લોકો કે વાહનોની અવરજવર બિલકુલ નહીવત જોવા મળી હતી. જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરીને કર્ફ્યૂનું પાલન કરાવતી પોલીસ જોવા મળી હતી. કર્ફ્યૂ ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૨૦ જેટલા ગુના નોંધીને ૧૩૦ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે, એસજી હાઈવે, આશ્રમ રોડ, લાલ દરવાજા, કાલુપુર, બાપુનગર, નરોડા, સરખેજ, રિંગ રોડ, નેશનલ હાઈવેને જોડતા માર્ગો, અસારવા, સાબરમતી, ચાંદખેડા, શાહપુર સહિતના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કર્ફ્યૂના જાહેરનામા ભંગ બદલ કુલ ૧૧૭ જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. એટલું જ નહિ ૧૩૦ જેટલી વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં કરફ્યુનો અમલ કરાવવા માટેઅમદાવાદ પોલીસના ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, તમામ ડીસીપી - એસીપી, પીઆઈ સહિતના સાત હજારથી વધુ અધિકારીઓ કર્મચારીઓ સાથે શહેરમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને કારણ વિના બહાર ફરતા વ્યક્તિઓને ઘરે મોકલવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરના આઠ જેટલા પ્રવેશ દ્વારો છે તે સ્થળો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈને ચુસ્ત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેર બહારથી આવતી કાર અને ગાડીઓમાં આવતા લોકોનું ચેકિંગ અને પૂછપરછ કરીને શહેરમાં પ્રવેશવા દેવામાં આવી રહી છે.

અમદાવાદ રેલવે સ્ટેશન અને અમદાવાદ એરપોર્ટ પર આવતા-જતા પ્રવાસીઓને નિયત ટિકિટ અને આઈડી પ્રૂફ બતાવ્યા બાદ કર્ફ્યૂના બે દિવસમાં અમદાવાદ શહેરમાં પ્રવેશ અને પ્રસ્થાન કરવા દેવામાં આવી રહ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન ઉતરનારા મુસાફરો માટે ખાસ સિટી બસની વ્યવસ્થા પણ કરાઈ છે. જો કે મુસાફરોને અમુક સ્થળોએ ઉતારી દેવામાં આવ્યા હતા. જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.