અમદાવાદ-

દિવાળીને પગલે બજારોમાં ખરીદી વધતાં અમદાવાદ શહેર મ્યુનિ.એ મીઠાઈ, ફરસાણ, ફટાકડા, કપડાં સહિતની દુકાનોના 1432 જેટલા વેપારીઓનો કોરોના ટેસ્ટ કર્યો હતો જેમાંથી 20 જેટલા વેપારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરમાં દિવાળીના તહેવારના પગલે નાના મોટા બજારોમાં લોકોનો ઘસારો જોવા મળે છે. આ સમયે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય અથવા સંપર્કમાં આવે તો કોરોનાંનો ગ્રાફ વધી શકે છે. આ ઉપરાંત હવે શહેરમાં ઠંડીનો માહોલ જામવા લાગ્યો છે જે કોરોના સંક્રમણને ફેલાવવામાં મદદરૂપ થઈ શકે છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાવચેતી રાખતા સુપર સ્પ્રેડર્સને શોધવા કડક જુંબેશ ચલાવી છે.

દિવાળીને પગલે મ્યુનિ.એ શહેરભરમાં વેપારીઓના ટેસ્ટિંગ શરૂ કરી દીધા છે. અત્યારસુધી શહેરમાં કુલ કેસનો આંક 41273 પર પહોંચ્યો છે. આ ઉપરાંત વધુ 4 વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મૂકાયા છે જ્યારે 6 વિસ્તારોને ગઈકાલે કન્ટેઇનમેન્ટમાંથી મુક્ત કરાયા હતા. શહેરમાં નવાં 160 કેસ નોંધાયા છે જ્યારે 2 દર્દીના મૃત્યુ થયા છે. શહેરમાં કોર્પોરેશન દ્વારા પણ રેપીડ ટેસ્ટ માટે ડોમ બનાવીને તાત્કાલિક રિપોર્ટ આપવામાં આવે છે.