અમદાવાદ-

અમદાવાદના હેરિટેજ વિભાગના ડેપ્યુટી જનરલ મેનેજર પી. કે. વાસુદેવન નાયરનું કોરોનાને કારણે અવસાન થયું છે. કોર્પોરેશન ઓફિસમાં કેટલાક ભાગને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકવા પડે તેવી પરિસ્થિતિનું દિવાળી પહેલાં જ નિર્માણ થયું હતું. તો બીજી તરફ અનેક કિસ્સા એવા સામે આવ્યા છે, જેમાં અધિકારીઓ કે કર્મચારીઓ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે.

મ્યુનિ. કચેરીમાં તો દિવાળી પહેલાં જ કોરોના સંક્રમણની સ્થિતિ સતત વધી રહી હતી, જેમાં ઓડિટ વિભાગ, પ્લાનિંગ વિભાગ, પાણી પૂરવઠા વિભાગ સહિત અનેક વિભાગોને તો પહેલેથી જ બંધ થઈ ગયાં હતાં. મ્યુનિ. કચેરીના છઠ્ઠા માળે લગભગ તમામ વિભાગો બંધ થઈ ગયા છે. શહેરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં પણ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. શહેરમાં દિવાળી પછી વધેલા કોરોનાના કેસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ડીવાયએમસી સહિત 4 અધિકારીને કોરોના થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ડીવાયએમસી, એસ્ટેટ વિભાગના એક અધિકારી, વિજિલન્સ વિભાગના એક અધિકારી સહિત 4થી વધારે અધિકારીઓ, કર્મચારીઓ ફરીથી કોરોના સંક્રમિત થાય છે. મોટા ભાગના અધિકારી-કર્મચારીઓ હોમ આઇસોલેસનમાં છે. આ ઉપરાંત હેલ્થ વિભાગના પણ કેટલાક અધિકારીઓ કોરોના ઝપેટમાં આવી ગયા છે.