અમદાવાદ-

અમદાવાદ VS હોસ્પિટલના ડૉકટર મેહુલ જયેશ મહેતાએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ હૈદરઅલી મન્સૂરી નામના વ્યક્તિના મેઈલ આઈડીથી પરથી ડૉ. મેહુલ અને તેમની ગર્લફ્રેન્ડ રાધિકા મારફતીયાને ધમકી ભર્યા મેઈલ આવ્યા હતા. જેમાં રાધીકાને 'એને મારી બહેનને મારી નાખી, તું પણ એક સ્ત્રી છે. તને કોઈ સંવેદના નથી' તેવો મેઈલ કર્યો હતો. આ બાબતે રાધીકાએ ડૉ. મેહુલને વાત કરતા તેને વિચાર્યું કે કોઈ દર્દીના સગાએ ગર્લફ્રેન્ડને મેઈલ કર્યો હશે.

ડૉ. મેહુલને પણ ધમકીભર્યો મેઈલ આવ્યો હતો. જેમાં જો તું તારી વાઈફ રાધિકાનું નહીં માને અને રૂપિયા નહીં આપે તો મારે ડૉ. રુચીને વાત કરવી પડશે. આ સિવાય પણ મેહુલ ઘણા બધા અજાણ્યા નંબર પરથી મેસેજ અને કોલ આવતા હતા. આથી ડૉ. મેહુલ મહેતાએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર સેલના DCP અમિત વાસવાની સૂચના આધારે PI સી. યુ. પરેવા અને ASI પ્રિયંકા શ્રીમાળીએ ટેક્નિકલ એનાલિસીસ કરતા પાટણની ડૉ. વિધિની સંડોવણી આ ગુનામાં હોવાનું ખુલ્યું હતું.

તપાસને પગલે સાયબર સેલની ટીમે પાટણના ગાંધીબાગ રોડ પર ગુર્જરી હોટલ સામે ભારતી સોસાયટીમાં રહેતી ડૉ. વિધિ રશ્મિકાંત શાહની ધરપકડ કરી હતી. વિધિએ પોલીસ તપાસમાં જણાવ્યું હતું કે, અગાઉ ડૉ. મેહુલ સાથે તેની સગાઈ થઈ હતી. આ દરમિયાન બન્ને વચ્ચે મન દુઃખ થતાં સગાઈ તૂટી ગઈ હતી. આથી ડૉ. વિધિએ પૂર્વ મંગેતરને ડરાવવા આ કૃત્ય કર્યું હતું.