અમદાવાદ-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરને એટ વન કલીક રૂ. ૧૦૧૬ કરોડના વિવિધ વિકાસ કામોની ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભેટ આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સરકાર જનતા જનાર્દનની આશા-અપેક્ષાઓ સંતોષનારી અને ફટાફટ નિર્ણયો લઇ વિકાસ કામો આપનારી જનહિતલક્ષી સરકાર છે. તેમણે ઉમેર્યુ કે, લોકોને વિકાસ કામો માંગવા આવવું પડતું નથી પરંતુ માંગ્યા વિના સામે ચાલીને વિકાસ કામો આપનારી આ રાજ્ય સરકાર છે.

વિકાસના કામોમાં વધુને વધુ લોકો જોડાય, શહેરી જનસુખાકારીમાં સતત વધારો થાય અને ઇઝ ઓફ લિવીંગમાં વૃદ્ધિ સાથે લોકો પ્રગતિ સમૃદ્ધિ મેળવે તેવો ધ્યેય આપણે રાખ્યો છે. મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર શ્રીમતી બિજલ પટેલ, સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષ અમૂલભાઇ અને શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસની ઉપસ્થિતીમાં રૂ. રપ૬ કરોડના વિવિધ ૧૫ કામોના ઇ-લોકાર્પણ અને રૂ. ૭૬૦ કરોડના ૪૬ પ્રજાલક્ષી કામોના ઇ-ખાતમૂર્હત ગાંધનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા.

આ સરકારે શહેરી વિકાસની આગવી કેડી કંડારી છે અને ઝડપથી કામો થાય, વિકાસની હરણફાળ જારી રહે તે માટે પ્લાનીંગ ઇન ડિટેઇલ-પ્લાનીંગ ઇન એડવાન્સ સાથે આયોજનબદ્ધ પગલાંઓ ભર્યા છે. વિજય રૂપાણીએ સ્થાનિક શહેરી સત્તાતંત્રો-સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વિકાસકામો નાણાંના અભાવે કયારેય અટકવાના નથી તેવો વિશ્વાસ આપતાં કહ્યું કે, વિવાદ નહિ સંવાદ, જ્યાં માનવી ત્યાં સુવિધા અને લઘુત્તમ સંશાધનોના મહત્તમ ઉપયોગના ત્રેવડા મંત્ર સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ વિકાસકામોને ગતિ આપી છે. 

રાજ્યના પાંચ મહાનગરોમાં GDCRમાં સુધારા કરીને ૭૦ માળથી વધુના હાઇરાઇઝડ બિલ્ડીંગને રાજ્ય સરકારે પરવાનગીઓ આપવાનો જે નિર્ણય કર્યો છે તેની ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, હાઇરાઇઝડ બિલ્ડીંગ, નાગરિક સુખાકારીના પ્રકલ્પો અને પર્સનલ હાઇજીન સાથે પબ્લીક હાઇજીનના કામોને અગ્રતા સાથે ગુજરાતના શહેરી ક્ષેત્રમાં ઇઝ ઓફ લિવીંગ સાથે રહેવાલાયક-માણવાલાયક બનાવ્યા છે. ''રહેવું તો ગુજરાતમાં'' એવો ભાવ નાગરિકોમાં જાગે તેવું વાતાવરણ બનાવવું છે.