અમદાવાદ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને એક સપ્તાહ કરતાં ઓછો સમય બાકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેર માટેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. આ ચૂંટણી ઢંઢેરામાં અમદાવાદ શહેરના પ્રત્યેક નાગરિકને કોરોનાની ફ્રી વેક્સિન, લોકડાઉન સમયગાળાનો સંપૂર્ણ પ્રોપર્ટી ટેક્સ માફ, સમસ્ત શહેરમાં ફ્રી વાઇફાઇ, ભૂખ્યાને ભોજન માટે અન્નક્ષેત્ર જ્યારે ઘાયલ પશુ-પક્ષીની સારવાર માટે ૨૪ કલાક મહાવીર મોબાઇલ સર્વિસ જેવા મુદ્દાનો સમાવેશ કરાયો છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેર માટેનો ચૂંટણી ઢંઢેરો રવિવારે જાહેર કરવામાં આવ્યો હતો.

‘કોંગ્રેસ વીલ મેક અમદાવાદ ધ અમેઝિંગ સિટી’ના શિર્ષક હેઠળ જાહેર કરવામાં આવેલા આ ચૂંટણી ઢંઢેરામાં અમદાવાદને શિક્ષણમાં અગ્રીમ-આરોગ્યમાં અવલ-બેરોજગાર મુક્ત-સ્લમ ફ્રી-કરના ભારણ વિનાનું બનાવાશે તેવો દાવો કરાયો છે. ચૂંટણી ઢંઢેેરામાં શિક્ષણ-આરોગ્ય-કર માળખા-જાહેર પરિવહન સેવા-પ્રદૂષણનો કાયમી ઉકેલ-જળ-યુવાનો-સુરક્ષા જેવા વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. ચૂંટણી ઢંઢેરાના દાવા પ્રમાણે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તા મળશે તો કોંગ્રેસ શિક્ષણના વેપારીકરણને વિદાય આપવામાં આવશે તેમજ બાળમંદિર અને સ્કૂલોના ખાનગીકરણ પર રોક મૂકશે.

આ ઉપરાંત પ્રત્યેક નાગરિકને ફ્રી કોરોના વેક્સિન, દરેક વોર્ડમાં તિરંગા ક્લિનિક, ડાયાબિટિસ-બ્લડ પ્રેશરના દર્દીઓને મફત ટેસ્ટિંગ, આંખોના નંબરનું ફ્રી ચેકિંગ, વીએસ હોસ્પિટલને પુર્નજીવિત કરીને સામાન્ય નાગરિકોને પરવડે તેવી વ્યવસ્થા તેમજ ગરીબ પરિવારના મુખ્ય વ્યક્તિને ૧ લાખ રૃપિયાનું પર્સનલ એક્સિડન્ટ વીમાનું કવચ, સુપર સિનીયર સિટીઝન માટે ઘરે બેઠા ૨૪ કલાક ઈમરજન્સી મોબાઇલ ટ્રીટમેન્ટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.