અમદાવાદ-

અમદાવાદના ફાઇનાન્સર અલ્પેશ પટેલના આપઘાત કેસમાં સયાજીગંજ પોલીસે ૧૦ આરોપીમાંથી ૯ આરોપીના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું. જાેકે એકપણ આરોપી ઘરે મળ્યો નહોતો. જેથી પોલીસે તમામ આરોપીઓને નોટિસ પાઠવીને ૧૪ ઓક્ટોબર સુધીમાં જવાબો રજૂ કરવા માટે જણાવ્યું છે. આરોપી ભરત બૂટિયાનું લોકેશન અમદાવાદમાં મળ્યું નહોતું. તેનું લોકેશન પોરબંદરમાં મળતાં એક ટીમ પોરબંદર મોકલી આપી છે. મૃતકોના પરિવારજનો અને સગાંની પૂછપરછ પણ પોલીસે કરી છે. મૃતક અને આરોપીઓની ફાઇનાન્સિયલ લેવડ-દેવડ અંગે બેંકમાં પોલીસ તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ફાઇનાન્સર અલ્પેશ પટેલે વડોદરાની એમિટી હોટેલમાં કરેલી આત્મહત્યાના બનાવમાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા બાદ દસ આરોપીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. પોલીસે આરોપીઓની સઘન શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજી સુધી કોઇ પત્તો મળી શકયો નથી. બીજી તરફ અલ્પેશ પટેલના ઘરે નાગાર્જુન તેના માણસોને લઇને ગયો હોવાનો વિડિયો પણ વાઇરલ થતાં પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી હતી.

અમદાવાદમાં તપાસ કરી રહેલી સયાજીગંજ પોલીસે આરોપીઓ પૈકીના એક નાગાર્જુન લક્ષ્મણ મોઢવાડિયા અમદાવાદના સોલા ગામમાં રહતો હોવાનું જાણવા મળતાં તેના ઘરે જઈને ફરીથી પંચનામું કર્યું હતું. આ ઉપરાંત સાણંદ તાલુકાના ગોધાવી ગામમાં રહેતા મુકેશ કાનજી વાઘેલા, સિદ્ધરાજસિંહ ઉર્ફે લાલો કલ્પેશ વાઘેલા અને લકી રાજ અમરસિંહ વાઘેલાને શોધવા માટે પોલીસે ગોધાવી ગામ અને તેના આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ, તેઓ મળી આવ્યા ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.