અમદાવાદ-

અમદાવાદની સેન્ટ્રલ જેલ હવે ગુજરાતની સૌ પ્રથમ જેલ બનવા જઇ રહી છે જેમાં કેદીઓ માટે અને કેદીઓ દ્વારા ચાલતાં પ્રિઝન રેડિઓની શરૂઆત થઈ રહી છે. 2જી ઓક્ટોબર ગાંધી જ્યંતિના દિવસે આ રેડિઓની શરૂઆત થશે. આ રેડિઓના પ્રોગ્રામ પણ ડિઝાઇન કરવામાં આવ્યાં છે. રેડિઓ દ્વારા કેદીઓને કાયદાકીય ઉપયોગી બાબતો સમજાવવામાં આવશે. સાથે સાથે રોજ સ્વાસ્થ્ય અને શૈક્ષણિક બાબતની માહિતી ઓન એર કરવામાં આવશે. કેદીઓને રોજ મનોરંજન અને ઉપયોગી માહિતી મળી રહે તે માટે પ્રિઝન રેડિઓ શરૂ કરાયો છે. પ્રાયોગિક ધોરણે હવે કેદીઓને રેડિઓ બ્રોડકાસ્ટ અને એનાઉન્સમેન્ટ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. જેલ દ્વારા હવે રેડિઓની સાથે સ્વાસ્થ્ય માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેલના સ્ટાફ અધિકારી અને પરિવારજનો માટે પણ સ્ટાફ ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવશે.

ગુના માટે સજા કાપી રહેલા કે ચૂકાદાની રાહ જોઈ રહેલા જેલમાં બંધ કેદીઓ સતત માનસિક તણાવનો ભોગ બનતાં હોય છે. જેલની ચાર દીવાલોની બહાર શું થાય છે તેઓ માત્ર અખબારો દ્વારા જાણી શકે છે.પરંતુ તેમને મનોરંજન માટે કોઈ સાધન ઉપલબ્ધ થતું નથી.ત્યારે હવે ગુજરાતમાં સૌપ્રથમ જેલમાં રેડિયો શરૂ થનાર છે. જે રેડિયોમાં તેમને જરૂરી માહિતી અને મનોરંજન પૂરું પડશે. એટલું જ નહીં, આ રેડીઓનું સંચાલન પણ કેદીઓ દ્વારા જ કરવામાં આવશે. જેનું ગાંધી જયંતિના દિવસથી પ્રસારણ શરૂ કરાશે.