અમદાવાદ-

રાજ્યભરમાં કોરોના વાઇરસનો કહેર વધી રહ્યો છે, ત્યારે દિવાળી પણ નજીક આવતાં બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી છે. જેથી કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવામાટે સાવચેતીના પગલે ભદ્ર બજારમાં પ્રવેશતા તમામ લોકોનું ફરજિયાત સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. મીડિયાના માધ્યમથી લોકો સોશિયલ ડિસ્ટનસનું ભાન ભૂલ્યા હોય તે અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જે બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને તકેદારીના ભાગરૂપે બજારમાં પ્રવેશતા તમામ લોકોનું થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત રીતે શરૂ કર્યું છે. થર્મલ સ્ક્રીનિંગ દરમિયાન કોઈ વ્યક્તિનું તાપમાન વધુ આવવાથી તેને માર્કેટમાં પ્રવેશ આપવામાં આવતો નથી. કારણ કે, જે વ્યક્તિનું તાપમાન વધુ હોય તેને કોરોના હોવાની શક્યતા છે અને તેના કારણે અન્ય લોકો પણ કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. આ ઉપરાંત માર્કેટમાં થર્મલ સ્ક્રીનિંગ બાદ કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જણાય તો તે વ્યક્તિનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. આ ટેસ્ટ કરવાની વ્યવસ્થા માર્કેટમાં જ રાખવામાં આવી છે.