રાજ્યમાં આતંકી હુમલાને પગલે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ATS ને મોટી સફળતા મળી છે. જેમાં 50થી વધુ હથિયાર સાથે અલગ અલગ જગ્યાએથી કુલ 9 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રાથયાત્રા પહેલા આતંકી હુમલાની દહેશતને લઈને IB દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. IBના એલર્ટને પગલે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ હવે જ્યારે રથયાત્રા નીકળવાને ગણતરીના દિવસો બાકી છે, તેવા સમયે અમદાવાદની પોલીસ દ્વારા શહેરમાં હથિયાર લઇને ફરતા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત ATS દ્વારા આંતરરાજ્ય હથિયાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ATS એ કામગીરી દરમિયાન 50 કરતા વધારે હથિયાર જપ્ત કરીને પાંચથી વધુ લોકોની ધરપકડ કરીને તેમની સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ ગુજરાત ATS એ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મોટી સફળતા મળી છે. ATS એ કચ્છ, મોરબી, અમરેલી, વાંકાનેર, અમદાવાદ, ભાવનગર જિલ્લા સહિત અનેક જગ્યાએ સર્ચ કર્યું હતું. ત્યારે 54 જેટલા હથિયારો મળી આવ્યા હતા.

જેમાં 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ હથિયાર ક્યાંથી ક્યાં લઈ જવામાં આવવાના હતા અને તે કોને મંગાવ્યા હતા તે અંગે ATS એ વધુ પૂછપરછ હાથ ધરી છે.