અમદાવાદ-

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને(GHHA) હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પ્રત્યક્ષ સુનાવણી માટે અગાઉ લેખિત અરજી આપી હતી. GHHAના જનરલ સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, નામદાર હાઇકોર્ટે એસોસિયેશનના પ્રેસિડેન્ટને જવાબમાં એક પત્ર પાઠવ્યો છે. જેમાં હાઇકોર્ટે એક કમિટીનું ગઠન કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, છેલ્લા 11 મહિનાથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનવણી ન થતા એસોસિયેશનના એડવોકેટ્સ અને તેમને સંલગ્ન સ્ટાફ ઉપર આર્થિક બોજો પડી રહ્યો છે અને હવે જ્યારે કોરોનાની અસર ઓછી વર્તાઈ રહી છે, શાળાઓ તેમજ ક્રિકેટ જેવા ક્ષેત્રે છૂટછાટ મળી રહી છે ત્યારે કોર્ટમાં પણ પ્રત્યક્ષ સુનવણી SOP સાથે શરૂ થવી જોઈએ. તેમણે બાંહેધરી આપતા જણાવ્યું હતું કે, જો નામદાર કોર્ટમાં પ્રત્યક્ષ સુનવણી શરૂ થાય તો કોર્ટ દ્વારા બહાર પાડેલી નિર્દેશિકાનો સૌ કોઈ પાલન કરશે.