અમદાવાદ-

અમદાવાદ આરટીઓ ખાતે તાજેતરમાં નવી સિરીઝ ય્ત્ન-૦૧-ઉમ્ શરૂ કરવાની આવી હતી. આ સિરીઝમા માટે ઈ-ઓક્શન કરવામાં આવતા પસંદગીના નંબર લેવા માટે વાહન માલિકોએ વાહનનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે ૧૨૫ જેટલા અરજદારોએ પંસદગીનો નંબર મેળવવા માટે અરજી કરી હતી. ઈ-ઓક્શનમાં ૯ નંબર માટે સૌથી વધુ ૧.૯૪ લાખ જ્યારે ૧૧૧ નંબર માટે ૧.૩૦ લાખ જેટલી ઊંચી બોલી લગાવીને શોખીનોએ પસંદગીનો નંબર ખરીદ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે નવી સિરીઝના નંબર માટે ૧૩ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી દરમિયાન રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી હતી. જેમાં ૧૨૫ જેટલા લોકોએ પસંદગીનો નંબર ખરીદવા માટે અરજી કરી હતી. જેમાં મોટાભાગના કિસ્સામાં એક જ અરજદારે પસંદગીનો નંબર મેળવવા માટે રસ દાખવતા તેમની પાસેથી નિયત ફી લઈને તેમને નંબર ફાળવી દેવાયો હતો. જાે કે, અમુક નંબરમાં એક કરતા વધારે અરજદારો હોવાથી તે નંબર માટે હરાજી થઈ હતી. જેમાં લકી ગણાતા ૯ નંબર માટે એક કરતા વધુ અરજદારો હોવાથી ઈ-ઓક્શન કરવામાં આવ્યું હતું અને છેવટે સુખદેવ વાઘેલા નામના વ્યક્તિએ સૌથી વધારે ૧.૯૪ લાખની બોલી લગાવતા નંબર તેમને ફાળવી દેવાયો હતો.

આ જ રીતે, ૧૧૧ નંબર માટે પણ એક કરતા વઘારે અરજદારો હોવાથી તેના માટે પણ માટે બોલી લગાવાઈ હતી, અને છેવટે ૧.૩૦ લાખમાં આ નંબર અજય નામના વ્યક્તિએ ખરીદ્યો હતો. તેમજ ૨૦૭૦ માટે પણ એક કરતા વધુ અરજદાર હોવાથી તેની પણ બોલી લાગી હતી અને તે નંબર ૧૧ હજાર રૂપિયામાં વેચાયો હતો