અમદાવાદ-

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પીંક બોલ ટેસ્ટ મેચમાં, ભારતે ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું હતું. આ મેચ ફક્ત બે જ દિવસમાં સમાપ્ત થઈ ગઈ. આ મેચના પહેલા દિવસે 13 વિકેટ પડી હતી જ્યારે બીજા દિવસે 17 વિકેટ પડી હતી. વિશેષ વાત એ છે કે, આ 30 વિકેટોમાંથી 28 વિકેટ સ્પિનરોએ ઝડપી હતી, જ્યારે ફાસ્ટ બોલરોને ફક્ત બે વિકેટ મળી હતી.

આ સાથે, આ મેચ એવી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ બની હતી, જેમાં સ્પિનરોએ સૌથી વધુ વિકેટ લીધી હતી. આ પહેલા વર્ષ 2017-18માં દુબઇમાં, પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં સ્પિનરોના નામ પર 24 વિકેટ નોંધાઈ હતી.ઉપરાંત, વર્ષ 2016-17માં, દુબઈમાં પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી મેચમાં સ્પિનરોએ 22 વિકેટ ઝડપી હતી. અમદાવાદ ટેસ્ટની વાત કરીએ તો ભારત તરફથી અક્ષર પટેલે 11 વિકેટ લીધી હતી, રવિચંદ્રન અશ્વિને 07 અને વોશિંગ્ટન સુંદરએ આ મેચમાં 1 વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર ઇશાંત શર્માને 1 વિકેટ મળી. તે જ સમયે, ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 5 અને જેક લીચે 4 વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર જોફ્રા આર્ચેરે 1 વિકેટ લીધી હતી.