અમદાવાદ-

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. આજે અમદાવાદના વધુ એક ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હિંમતસિંહ પટેલ એ અમદાવાદના બાપુનગર વિસ્તારના ધારાસભ્ય છે. પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે ટ્વિટ મારફતે માહિતી આપી હતી.

દિવાળીની ખરીદી માટે બજારમાં સોશિયલ ડિસ્ટન્ટના નિયમોનું પાલન કરાવવા માટે હિંમતસિંહ પટેલ લોકો વચ્ચે ગયા હતા અને ત્યાંથી તેમને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું મનાય છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતના ઘણા નેતાઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે જેમાં કોંગ્રેસના જ નેતા ભરતસિંહ સોલંકી ઘણા લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ સાજા થયા છે. 

ગઇકાલે સુરતના સાસંદ દર્શના બેન જરદોશ પણ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા છે. સૌથી ચિંતાનજક વાત એ છે કે, ગત રવિવારે હજીરા ખાતે ની રો-પેક્સ સર્વિસના ઉદઘાટન કાર્યક્રમ વખતે મુખ્યમંત્રીની હાજરી વાળા કાર્યક્રમમાં સુરતના અન્ય નેતાઓ સાથે સાંસદ દર્શનાબેન જરદોશ પણ હાજર રહ્યા હતા. રવિવાર ના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું હોવાની પણ ફરિયાદ થઇ હતી.