અમદાવાદ-

અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે. દરેક પક્ષ પોત-પોતાના ગણિત ગોઠવવામાં લાગી ગયો છે. ટિકિટ વાંચ્છુઓએ પણ મોવડીમંડળને રિઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ભાજપ અને કોંગ્રેસમાં હાલમાં કોર્પોરેશનની ચૂંટણીની ટિકિટ માટે પડાપડી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ બધાની વચ્ચે એક નામે બધાને ચોંકાવી દીધા છે અને એ નામ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજીનું પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીના પુત્રી સોનલ મોદીએ 21મી ફબ્રુઆરીએ યોજાનારી અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે. તેમણે પશ્ચિમના પોશ વિસ્તાર બોડકદેવ વોર્ડમાંથી ટિકિટ માંગી છે. બોડકદેવમાં બક્ષીપંચ મહિલા અનામત બેઠક માટે સોનલ મોદીએ દાવેદારી કરી છે. તેમની દાવેદારીએ ભાજપના હોદ્દેદારોને ચોંકાવી દીધા છે.

પોતાની દાવેદારી અંગે સોનલ મોદીએ એક સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, તેમણે પીએમના પરિવાર તરીકે નહીં, ભાજપના કાર્યકર તરીકે ટિકિટ માંગી છે તેમણે કહ્યું કે, 'ભાજપના ઘણા કાર્યક્રમોમાં સહકાર આપ્યો છે.. મેં ક્યારેય મીડિયા સમક્ષ આવવાનું પસંદ નથી કર્યું. દેશમાં પીએમ મોદી સારું કામ કરી રહ્યા છે. સ્થાનિક સ્તરે યુવાઓ સુધી યોજનાઓ પહોંચી નથી. તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે તે નિર્ધાર સાથે ચૂંટણી લડીશ. ટિકિટ આપવી કે નહીં તે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે.'