અમદાવાદ-

શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ શુક્રવારથી સોમવાર સવાર સુધી કરફ્યૂનો અમલ શરૂ થઈ ગયો છે. પોલીસ લોકોને પોત પોતાના ઘરે જવા માટે અપીલ કરી રહી છે, ત્યારે શહેરના તમામ રસ્તાઓ શુક્રવારથી બે દિવસ સુધી સુમસામ જોવા મળશે. જોકે, આ અંગે નાયાબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં નીતિન પટેલે અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી હતી. આમ શનિવારથી વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 કલાક સુધી રાત્રિ કરફ્યૂ આગળ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી લાગુ રહેશે. શુક્રવારે સાંજે 5 કલાકે મુખ્યપ્રધાન નિવાસ્થાને મળેલી હાઇપાવર્ડ કમિટીની બેઠકમાં કોરોના અંગેની સ્થિતિના સમીક્ષા અંતર્ગત વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

અમદાવાદમાં કોરોનાનો આંકડો 305 સાથે ઊંચા સ્તરે પહોંચ્યો છે અને રાજ્યમાં કોરોનાનો આંકડો 1,420 પર પહોંચ્યો છે. તેમ છતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દાવો કર્યો છે કે, સરકાર કોરોના પર મહદ અંશે કાબૂ કરવામાં સફળ થઈ છે. સોશિયલ મીડિયા પર હોસ્પિટલમાં બેડની સંખ્યા ખૂટી હોવાની વાત ખોટી છે, લોકોને ડરાવવા માટે આવી અફવાઓ ફેલાવાઈ રહી છે. તેમને આરોગ્યની તમામ સેવાઓ કાર્યક્ષમતાપૂર્વક ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો. આ સાથે નાગરિકોએ ડરવાની કે ભયભીંત થવાની જરૂર નથી, પણ સાવચેત રહેવાની જરૂર છે. આ ઉપરાંત 200 સભ્યોને લગ્ન સમારંભમાં છૂટ મળી છે, તો દિવસના સમયમાં તેટલા સભ્યો સાથે લગ્ન સમારંભ થઈ શકશે. તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.