અમદાવાદ-

રાજ્યમાં આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી દરમિયાન દારૂ અને રોકડની હેરાફેરી પર પોલીસ અને ચૂંટણીપંચ ખાસ વોચ રાખતું હોય છે. રામોલ પોલીસે રૂ. ૧.૩૪ કરોડની રકમ સાથે આંગડિયા પેઢીના કર્મચારીની રિંગ રોડ પરથી અટકાયત કરી છે. યુવકને રોકડ રકમ અંગે પુછતાં તેની પાસે રકમ બાબતે કોઈ આધાર પુરાવા ન હોય રૂ. ૧.૩૪ કરોડની રકમ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી છે.

ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા માટે રોકડ રકમ અને દારૂની લાલચ ન આપવામાં આવે તેને લઈ ચૂંટણીપંચ દ્વારા પોલીસને ખાસ સૂચના આપવામાં આવે છે. ત્યારે રામોલ પોલીસે રિંગ રોડ પર દાલબાટી રેસ્ટોરાં પાસેથી બાતમીના આધારે ભાવેશ વાળંદ (ઉ.વ.૨૮- રહે. વાણીયા શેરી, સોખડા)ની રૂ ૧.૩૪ કરોડ સાથે અટકાયત કરી લીધી હતી.

રામોલ પીઆઇ કે.એસ. દવેના જણાવ્યા મુજબ, ભાવેશ નવરંગપુરા પી. પ્રવીણ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરે છે અને આ રોકડ રકમ મુંબઈ મલાડ ખાતે આપવા જતો હોવાનું જણાવે છે. જાે કે, આ રૂપિયા કોના છે તે બાબતે કોઈ આધાર પુરાવા ન હોવાથી તેની અટકાયત કરી રોકડ રકમ કબ્જે કરી છે.