અમદાવાદ-

આગામી દિવસોમાં રેલવેના ભાડામાં વધારા માટે તૈયાર થઈ જજાે.. ટૂંક સમયમાં સરકાર દ્વારા રેલવેના ભાડામાં વધારાને મંજૂરી આપવામાં આવી શકે છે. જેથી આગામી દિવસોમાં રેલવેની ટિકિટમાં ૩૫ રૂપિયા જેટલો વધારો થઈ શકે છે. ન્યુઝ એજન્સીના દાવા મુજબ આ રેલવેના ભાડાના વધારાને સરકાર આગામી દિવસમાં મંજૂરી આપશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે રેલવે મુસાફરોએ ૧૦ રૂપિયાથી ૩૫ રૂપિયા જેટલું ભાડું વધારે ચૂકવવું પડશે. રેલવેના આ ભાડા વધારાના પ્રસ્તાવને આગામી દિવસોમાં મંજૂરી માટે કેબિનેટમાં મોકલવામાં આવશે. કેબિનેટની મંજૂરી બાદ રેલવેના ભાડામાં અંદાજીત ૩૫ રૂપિયા જેટલો વધારો જાેવા મળી શકે છે. એક અંદાજ મુજબ રેલવે ભાડું યૂઝર ચાર્જના હિસાબે વધી રહ્યું છે.

રેલવે વિભાગે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે, યૂઝર ચાર્જ માત્ર એ જ સ્ટેશનો પર લેવામાં આવશે જેનો પુનઃવિકાસ કરવાનો હોય અને જે રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની સંખ્યા વધારે રહેતી હોય. જેથી રેલવે વિભાગે માહિતી આપી છે કે દેશભરના ૭ હજાર રેલવે સ્ટેશનમાંથી ૭૦૦ થી ૧ હજાર રેલેવે સ્ટેશન યૂઝર ચાર્જની શ્રેણીમાં આવે છે.