અમદાવાદ-

અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા શહેરના રાજકરણમાં ગરમાવો આવી ગયો છે. અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં લોકાર્પણની હોડ જામી છે. શાહપુરના લાલકાકા હોલનું ભાજપના મંત્રી અને મેયર લોકાર્પણ કરે તે પહેલા જ કોંગ્રેસે તેનું લોકાર્પણ કરી નાંખ્યું છે.

શાહપુર ખાતેના લાલકાકા હોલના ઉદ્ઘાટન પર અમદાવાદનું રાજકારણ ગરમાયુ છે. આ હોલનું મંત્રી અને મેયર ઉદ્દઘાટન કરે એ પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે તેને પ્રજા માટે ખુલ્લું મૂકી દીધુ છે. શાહપુરના લાલકાકા હોલનું ગ્યાસુદ્દીન શેખે ઉદ્ઘાટન કરી નિવેદન આપતા કહ્યું કે, વર્ષ ૨૦૧૫માં મેં આ હોલ મંજુર કરાવ્યો હતો.

છતા હોલના કાર્યક્રમમાં મને આમંત્રણ આપવામાં ના આવ્યું. મનપામાં મેં રજુઆત કરી પણ યોગ્ય જવાબ ના મળ્યો જેથી મંત્રી કૌશિક પટેલ અને મેયર ઉદ્ઘાટન કરે એ પહેલા અમે વિજય મૂહર્તમાં ખુલ્લું મૂક્યું છે. આ દરમિયાન ગ્યાસુદ્દીન શેખે આક્ષેપ કરતા જણાવ્યું કે, ભાજપની સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને આમંત્રણ નથી આપતા. અમે ભાજપની જાેહુકમી નહીં ચલાવી લઈએ. ધારાસભ્ય તરીકે કોંગ્રેસના ધારાસભ્યોને પણ ઉદ્દઘાટનમાં સ્થાન મળવું જાેઈએ.