અમદાવાદ-

અમદાવાદમાં કોરોનાના કેસ સાથે પ્રદૂષણ પણ વધી રહ્યું છે ત્યારે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં હવેથી ભાર વાહક વાહનની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલી બાહેંધરી અનુસાર અમદાવાદ શહેરમાં હવેથી ભાર વાહક વાહન શહેરમાં સવારે 8 કલાકથી રાત્રે 9 કલાક સુધીમાં પ્રવેશ કરી શકશે નહીં. એટલે કે શહેરમાં ટ્રેકટર, ટ્રક અને અન્ય ભારે વાહનના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે.

આ સિવાય આરટીઓના કામ માટે આવતા વાહનો માટે સવારે 10થી સાંજના 6 કલાક સુધી છૂટ આપવામાં આવી છે. આ જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે કે શહેરમાં ભારે તથા મધ્યમ પ્રકારના તમામ માલવાહક વાહનને દિવસ દરમિયાન 1થી 4 કલાક સુધી પ્રવેશબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. જેથી સમગ્ર શહેરમાં ભારે અને મધ્યમ પ્રકારના માલવાહક બપોરે 1થી 4 સુધી પ્રવેશ કરી શકશે.