અમદાવાદ-

બ્રેઈનડેડ જાહેર થયા બાદ મૃત વ્યક્તિ પણ પોતાના અંગોના દાન થકી અન્યોને નવજીવન આપી શકે છે. અમદાવાદ સિવિલમાં પણ ફરી વખત ખૂબ જ ટૂંકા અંતરાલમાં કંઈક આવું જ બન્યું. સિવિલમાં 15 મું અંગ દાન થયું. અકસ્માતના કારણે બ્રેઇન ડેડ થયેલ અજયસિંહના અંગદાને ત્રણ જરુરીયાતમંદોને જીવનદાન અપાવ્યું છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં છ બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાનમાં મળી સફળતા મળી છે. ત્યારે અંગદાન માટે વધુમાં વધુ લોકો આગળ આવી જરૂરીયાતમંદોને નવજીન આપી શકે છે.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના 23 વર્ષીય યુવાન અજયસિંહ પરમારનું લીમડી નજીક ટ્રક ઉપરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. 15 ઓક્ટોબરના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર અર્થે તેમને લાવવામાં આવ્યા હતા. 17 મી ઓક્ટોબરના રોજ સારવાર દરમિયાન અજયસિંહ પરમારને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ And Tissue Transplant Organization)ની ટીમ દ્વારા અજયસિંહના પરિવારજનોને અંગદાન માટેની સમજણ આપતા તેમના પરિવારજનોએ અજયસિંહ અંગોના દાન થકી જરૂરિયાત મંદોને અમરત્વ પ્રદાન કરવા માટે સંમતિ દર્શાવી હતી.

આમ અજય ભાઈના બે કિડની અને એક લીવર મેળવવામાં સફળતા મળી હતી જેને ટૂંક સમયમાં જરૂરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ સમગ્ર ઘટના અંગે ની વિગતવાર માહિતી આપતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલની SOTTO ની ટીમ અંગદાન ક્ષેત્રે અકલ્પનીય કામગીરી કરી રહી છે. છેલ્લા એક મહિનામાં છ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગ દાનમાં મળેલી સફળતા તેનું જવલંત ઉદાહરણ પૂરું પાડે છે. સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતતા વધી રહી છે. સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 15 બ્રેઇનડેડ વ્યક્તિઓના 53 અંગોના દાન થકી 41 જરૂરિયાતમંદ દર્દીઓની કાર્યદક્ષતા અને જીવનશૈલીમાં સુધાર લાવી તેમને નવજીવન આપવામાં સફળતા મળી છે.