અમદાવાદ-

ગુજરાતમાં કોરોના સંક્રમણ તેમજ મ્યુકોરમાઇકોસીસ (ફંગસ) ના કેસો વધી રહ્યાં છે. સાથે દિવાળીમાં પણ કોરોનાનું સંક્રમણ વધવાને કારણે હાલ ગુજરાતના ચાર મોટા નગરોમાં રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યું છે. એવામાં મોજશોખ માટે જાણીતા એવાં રાહ જોઇ રહેલાં ગુજરાતીઓ આ વખતે થર્ટી ફસ્ટની ઉજવણી નહીં કરી શકે. કારણ કે આ વખતે પોલીસ ખાનગી વેશમાં સતત વૉચ રાખશે.

મહત્વનું છે કે, જો કોઈએ આ વખતે 31મી ડિસેમ્બરના રોજ નિયમ તોડ્યો તો તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા સૂચના આપી દેવાઇ છે. ઉપરાંત રાત્રે શહેરની નજીક આવેલા ફાર્મ હાઉસમાં કે અન્ય કોઇ જગ્યાએ ભેગાં મળીને પાર્ટીનું આયોજન કરનારા લોકો વિરદ્ધ પોલીસે વોચ ગોઠવી દીધો છે. 31 ડિસે.ના રોજ પાર્ટીની જગ્યાએ આયોજક અને મહેમાન તમામને નિયમ ભંગ બદલ પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વારો આવશે. 

અત્રે નોંધનીય છે કે, અમદાવાદમાં જે રીતે દર વર્ષે જાહેર માર્ગો પર લોકો ભેગા થતા હોય છે. ઉપરાંત મોડી રાત સુધી શહેરનાં એસ.જી હાઇવે અને તેને અડીને આવેલી ક્લબ કે ફાર્મ હાઉસમાં 31મી ડિસેમ્બરની ઊજવણી કરતા હોય છે તે આ વખતે નહીં થાય. આ અંગે શહેરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હાલમાં કોરોનાનાં કારણે શહેરમાં રાત્રિ કર્ફ્યુ છે અને આ વખતે અમને કડક કાર્યવાહી કરવાની સૂચના પણ મળી છે.

મહત્વનું છે કે, શહેરમાં 31 ડિસેમ્બરની પાર્ટી અને પરમિશન અંગે શહેર પોલીસના કંટ્રોલ DCP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, 'આ વખતે પેડેમિક સ્થિતિના કારણે કોઈને પણ પરમિશન આપવામાં નથી આવી. આ સાથે જ 31મી ડિસેમ્બરના કારણે શહેરમાં પ્રોહીબીશનની ડ્રાઈવ યોજવામાં આવી છે. જેથી શહેરની નજીકમાં આવેલા ફાર્મ હાઉસ કે પાર્ટી પ્લોટ કે ક્લબ પર સતત મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓ દ્વારા વોચ રાખવામાં આવશે.