અમદાવાદ-

શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. એવામાં કોર્પોરેશન કડકાઈથી કામ કરી રહી છે. પશ્ચિમ વિસ્તારમાં કોર્પોરેશનને એ વાત ધ્યાનમાં આવી હતી કે યુવાઓના ટોળા ભેગા થાય છે અને સાથે જ નિયમોનું પાલન પણ થતું નથી. જેથી હવે કડકાઇથી કામગીરી હાથ પર લીધી છે.

રવિવારે મ્યુનિ.ની સોલિડ વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું.જેમાં સિંધુભવન રોડ ખાતે આવેલા જાણીતા એક બી આર કોડ સહિત સાત જેટલા કાફે તેમજ રેસ્ટોરન્ટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતાં સીલ કરી દેવામાં આવ્યા છે. શહેરના પ્રહલાદનગર, ઇસ્કોન ગાંઠિયા કર્ણાવતી કલબ, કાકે કા ઢાબા રિંગ રોડ, ગુજરાત કોમર્સ કોલેજ, રાજનગર કડીયાનાકુ, કાલુપુર શાકમાર્કેટ, લો- ગાર્ડન, દરિયાપુર, અસારવા કડીયાનાકા, ભદ્ર માર્કેટ, મચ્છી માર્કેટ અસારવા, ભઠિયાર ગલી, વિરાટનગર, ઠક્કરબાપાનગર, સીટીએમ કડીયાનાકા સહિતના વિસ્તારોના વીડિયો ઉતાર્યા હતા. જેમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર બેઠા જોવા મળ્યા હતાં. માસ્ક વગર લોકો ટોળામાં બેસેલા જોવા મળતા કોર્પોરેશનને આ કાર્યવાહી કરી છે. અમદાવાદીઓ કોર્પોરેશનના રિયાલિટી ચેકમાં કોરોનાની ગાઈડલાઈન અનુસરવામાં બેદરકાર જણાયા છે. એએમસીએ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરતી હોટલો અને રેસ્ટોરન્ટસને સીલ કરી છે. આ જગ્યાઓ પર લોકોના ટોળે ટાળા ભેગા થતાં હતા અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું ન હતુ.