અમદાવાદ-

ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીને સત્તાવાર રીતે ગુજરાતના રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે. ઓવૈસીની પાર્ટી આઈએમઆઈએમ આવનારી અમદાવાદ મ્યુનિ. સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો ઊભા રાખશે. એઆઈએમઆઈએમના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ૧૯મીના રોજ ટ્‌વીટ કરીને ઓવૈસી કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાની નિમણૂક કરી ચૂક્યા છે. હવે રાજ્યમાં ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના સત્તાવાર પ્રવેશ સાથે એ પણ જાહેરાત કરાઈ છે કે મ્યુનિ. ચૂંટણી પહેલાં ઓવૈસી પ્રચાર માટે અમદાવાદ આવશે અને સભાઓ ગજવશે. એઆઈએમઆઈએમ રાજ્યમાં છોટુ વસાવાની બીટીપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે.

આ સાથે ગુજરાતના રાજકારણમાં ત્રીજાે વિકલ્પ આપવાનો એઆઈએમઆઈએમ દ્વારા મક્કમ નિર્ધાર વ્યક્ત કરાયો છે. આ અંગે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે હાલની ભાજપ સરકારે મુસ્લિમ,દલિત,આદિવાસી,ગરીબ અને પછાત વિસ્તારોના વિકાસની ગંભીર અવગણના કરી છે, જેના કારણે હજી પણ લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે સમાજના નબળા વર્ગોના ઉત્થાનમાં નિષ્ફળ રહી હતી. એ ઉપરાંત વિરોધપક્ષમાં પણ રહીને કોંગ્રેસ જનતાના મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ રહી છે.

વર્તમાન સ્થિતિને જાેતાં ગુજરાતની જનતાને મજબૂત નેતૃત્વ અને વિકલ્પની જરૂર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમારી એઆઈએમઆઈએમપાર્ટી આગામી સમયમાં યોજાનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ઓછામાં ઓછા ૧૫ વોર્ડ પર તો ભરૂચમાં ધારાસભ્ય છોટુ વસાવાની બીટીપી પાર્ટી સાથે ગઠબંધનમાં સીટ શેરિંગને ધોરણે ચૂંટણીઓમાં ઝંપલાવશે. આ સાથે પાર્ટીના ચીફ ઓવૈસી પણ અમદાવાદ અને ભરૂચમાં સભાઓ કરશે એવી શક્યતાઓ છે.