અમદાવાદ-

દેશમાં કુલ નવ એરફોર્સ જવાનોએ વેક્સિન લેવાની ના પાડી હતી. જેમાંથી એકને ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે. આ સામે જામનગરના IAF જવાને વેક્સિનેશનને લઈને હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં તેણે રજૂઆત કરી હતી કે વેકસીન લેવા માટે તેને ઇન્ડિયન એરફોર્સ દબાણ કરી શકે નહીં. જો તેને ફરજિયાત કરવામાં આવે તો જવાનના મૂળભૂત અધિકારોનું હનન થાય છે. જવાને વેકસીન ન લેવા પાછળ કોર્ટમાં રજૂઆત કરી હતી કે હાલ વેક્સિનને ઇમર્જન્સી યુઝ માટેની જ મંજૂરી મળી છે અને હાલમાં તેઓને કોઈ તકલીફ ન હોવાથી તેઓને વેક્સિન લેવી નથી.

વેક્સિનેશન મુદ્દે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરતા એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરીને ઉલ્લેખ કર્યો હતો કે IAF ની પોલિસી મુજબ આ વેક્સિનેશન ફરજિયાત છે. જ્યારે IAFમાં કોઈ જોડાય છે ત્યારે તે તમામ પોલિસીને અનુસરવાની પ્રતિજ્ઞા પણ લે છે. આ સાથે તેઓ ફ્રન્ટલાઈન વોરિયરની કેટેગરીમાં પણ આવે છે. જેથી અરજદાર સાથે બાકીના જવાનોની સુરક્ષાની જવાબદારી ઇન્ડિયન એરફોર્સની બને છે. જામનગર એરફોર્સના જવાને વેકસીન લેવાની ના પાડતા એરફોર્સ દ્વારા તેને નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસ બાદ જવાને ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં. જેમાં નામદાર કોર્ટે તેમના ઉપરી અધિકારી જોડે તમામ પુરાવાઓ સાથે રજૂઆત કરવા જણાવ્યું હતું. જવાબમાં આસિસ્ટન્ટ સોલિસિટર જનરલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે IAF ની પોલિસી મુજબ આ વેક્સિનેશન ફરજિયાત છે. જ્યારે પણ કોઈ જવાન IAF માં જોઈન થાય છે ત્યારે તે તમામ પોલિસીને અનુસરવાની પ્રતિજ્ઞા લે છે.