વડોદરા, તા.૧૮ 

વડોદરા શહેરમાં આજે સવારે અને બપોરે ધોધમાર દોઢ ઈંચ વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જ્યારે આજવા સરોવરના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થતાં આજવામાંથી ઓવરફલો શરૂ થતાં વિશ્વામિત્રી નદીની સપાટી વધીને ૧૮.૫૦ ફૂટ થઈ હતી. આજવા સરોવરનું ૨૧૨ ફૂટનું લેવલ સેટ કરવા સોમવારે સવારે ૬૨ દરવાજા ખોલવામાં આવ્યા હતા. આજે આજવા સરોવરનું લેવલ ૨૧૨ ફૂટ થતાં દરવાજા ફરી ૨૧૨ ફૂટે બંધ કરાયા હતા. જેથી વિશ્વામિત્રી નદીમાં આવતું પાણી બંધ થવાની સાથે વરસાદે પણ વિરામ લેતાં વિશ્વામિત્રી નદીની સપાટી ગત રાત્રે ૧૨ વાગે ઘટીને ૧૬.૫૦ ફૂટ થઈ હતી, પરંતુ આજવા સરોવરના સ્ત્રાવ વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદ શરૂ થતાં આજવા સરોવરની સપાટી ૨૧૨ ફૂટથી વધતાં ફરી ઓવરફલો શરૂ થયો હતો. આજવા ઓવરફલો થવાની સાથે શહેરમાં પણ બપોરે ધોધમાર વરસાદ થતાં દાંડિયા બજાર, એમ.જી. રોડ સહિત નીચાણવાળા વિસ્તારોના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. વડોદરા શહેરમાં આજે દિવસ દરમિયાન ૩૪ મિ.મી. એટલેકે દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે વાઘોડિયા અને પાદરા તાલુકામાં ૧૦ મિ.મી., તો અન્ય તાલુકામાં હળવો વરસાદ થયો હતો. બીજી તરફ આજવા સરોવરની સપાટીમાં સતત વધારો થવાની સાથે ઓવરફલો પણ વધતાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. પરંતુ સાથે ઢાઢર નદીમાં પણ ઝડપથી પાણી જતું હોઈ નદીની સપાટી ધીમી ગતિએ વધી રહી છે. આજવા સરોવરની સપાટી ૨૧૨.૩૦ ફૂટ અને વિશ્વામિત્રી નદીની સપાટી ૧૮.૫૦ ફૂટ નોંધાઈ હતી. જ્યારે રાત્રે ૮ વાગે આજવા સરોવરની સપાટી ૨૧૨.૩૫ ફૂટ અને વિશ્વામિત્રીની સપાટી ૧૮ ફૂટ થઈ હતી. જ્યારે શહેર નજીક આવેલ જાંબુઆ ગામમાં ઢાઢર-જાંબુઆ નદીના પાણી પ્રવેશતાં પાણી ફરી વળ્યાં હતાં. ગામમાં આવેલ મંદિર તેમજ કેટલીક વસાહતોમાં પાણી ભરાતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. 

રાત્રે ૧૨ વાગ્યે આજવાના દરવાજા ફરી ખોલાયા

ઉપરવાસમાં વરસાદને કારણે આજવાની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાત્રે નવ વાગ્યે ૨૧૨.૩૫ ફૂટે પહોંચી હતી. તેમજ પાણીની આવક ચાલુ રહેતાં પાલિકા તંત્ર દ્વારા ૨૧૨.ફૂટની સપાટી મેન્ટેન કરવા માટે રાત્રે ૧૨ વાગે આજવા ૬૨ દરવાજા ફરી ખોલીને ૩૫૩૦ ક્યૂસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવાનો નિર્ણય લેવાયો હતો જેના પગલે નદી કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી હતી.