વડોદરા : ગોત્રી-ભાયલી રોડ પર આવેલી અક્ષર પબ્લિક સ્કુલ દ્વારા ફી નિર્ધારણ સમિતિએ નક્કી કરેલી કરેલી ફી કરતા વધુ ફી પડાવી લેવાની, અન્ય વૈકલ્પિક પ્રવૃત્તિઓની ફી ફરજિયાતપણે ભરાવી વાલીઓને તેની રિસિપ્ટ પણ ન આપીને ફી નિર્ધારણ સમિતિના ઘણા બધા કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની ફરિયાદ કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ કરી હતી. જેની તપાસ બાદ એફઆરસીએ હુકમ કરીને કાયદાઓના ઉલ્લંઘન બદલ અક્ષર પબ્લિક સ્કૂલને રૂ.૧ લાખનો દંડ કર્યો છે. આ સાથે તમામ વિદ્યાર્થીઓને સ્ટેશનરી ફી પરત કરી ફરિયાદીઓએ ભરેલી વધારાની ફી નું બમણું રિફંડ તેમજ એફઆરસીએ કરેલ દંડ ૧ મહિનામાં ચૂકવવા આદેશ કર્યો છે.  

પ્રાપ્ત માહિતી અનુસાર, સેવાસી વિસ્તારમાં આવેલી અક્ષર પબ્લિક સ્કુલની શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે પ્રાથમિક વિભાગની ૧૩,૨૦૦ રૂપિયા તેમજ ધોરણ ૯થી ૧૨ માટેની ફી ૧૬,૫૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જોકે, કોરોના કાળમાં ફી ભરવામાં મોડા પડનાર વાલીઓના બાળકોનું ઓનલાઇન શિક્ષણ અટકાવી દેતા શાળામાં અભ્યાસ કરનાર કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કુલ દ્વારા એફઆરસીએ નક્કી કરેલી ફી ઉપરાંતની ફી લેવામાં આવતી હોવાનું અને વૈકલ્પિક પ્રવૃતિઓની ફી ફરજિયાતપણે લઇ તેની કોઈ રિસિપ્ટ પણ ન અપાતી હોવા અંગેની ફરિયાદ ડીઈઓને કરી હતી.

સંખ્યાબંધ વાલીઓ પાસેથી એકસરખી ફરિયાદ મળતા એફઆરસી તેમજ ડી.ઈ.ઓ ઓફિસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્કુલ દ્વારા એફઆરસીના સંખ્યાબંધ કાયદાઓનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને એફઆરસી દ્વારા ફરિયાદ કરનાર ૪ વિદ્યાર્થીઓના વાલીઓએ વધારાના ભરેલા ૧૩,૨૦૦ રૂપિયાનું ડબલ રિફંડ, વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન તમામ વિદ્યાર્થીઓ પાસેથી લીધેલી સ્ટેશનરી ફી, ફી અધિનિયમ અને તે હેઠળના નિયમો અને રજૂ કરવામાં આવેલ એફિડેવિટના ભંગ બદલ રૂપિયા ૧ લાખ ૩૦ દિવસની મુદ્દતમાં જમા કરાવવાનો આદેશ કર્યો છે.

  ઉલ્લેખનીય છે કે, વડોદરા ઝોનની એફઆરસી દ્વારા કદાચ આ પહેલી વખત કોઈ શાળાને નિયમોનો ભંગ કરનાર શાળાને મસમોટો દંડ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત શહેરમાં આ પ્રથમ એવી ઘટના હશે, જેમાં કોઈ શાળાએ વિદ્યાર્થીઓને વધારાની વસુલલી ફી પરત કકરવી પડતી હશે.