વડોદરા : મુળ રાજસ્થાનના ઉદેપુરના વતની ૫૩ વર્ષીય રામલાલ બેચરભાઈ પટેલ બારેક વર્ષથી વડોદરામાં ગોરવા વિસ્તારમાં આવેલા જીવાભાઈ ફ્લેટના ત્રીજા માળે પોતાના ફ્લેટમાં રહેતા હતા ગોત્રી રોડ પર હરિનગર ખાતે આવેલા અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં લોજીસ્ટીક એક્ઝિક્યુટીવ તરીકે ફરજ બજાવતા હતા. ગઈ કાલે સાંજે અક્ષયપાત્ર ફાઉન્ડેશનના અધિકારી ચિરાગભાઈ વંડરાને મોબાઈલ પર રામલાલના પુત્ર શૈલેષે જણાવ્યું હતું કે કે ‘મારા પિતાજી શનિવારે ઘરે આવવાના હતા પરંતું તે ઘરે આવ્યા નથી અને તેમનો ફોન પણ સ્વીચ ઓફ છે માટે તમે મારા પિતાના ફ્લેટ પર જઈને તપાસ કરો કે શું થયું છે’. ચિરાગભાઈએ અન્ય કર્મચારી મારફત રામલાલના ફ્લેટ પર તપાસ કરાવી હતી. જેમાં રામલાલની બાઈક ફ્લેટના નીચે હતી પરંતું ફ્લેટના દરવાજાને બહારથી તાળું મારેલું હોય તેમણે શૈલેષને આ વિગતો જણાવી હતી. જાેકે રામલાલ સાથે કંઈક અજુગતુ થયું હોવાની પુત્ર શૈલેષને શંકા જતા તેણે મકાનના દરવાજાના તાળાં તોડીને તપાસ કરો તેમ જણાવ્યું હતું જેથી ચિરાગભાઈએ ગત સાંજે સોસાયટીના પ્રમુખની મંજુરી લઈ રામલાલના ફ્લેટના દરવાજા અને જાળીને મારેલા તાળા તોડી અંદર તપાસ કરી હતી. મકાનમાં તપાસ કરતા એવી ચોંકાવનારી જાણ થઈ હતી કે બેડરૂમમાં રામલાલની ઉંધી હાલતમાં લાશ પડી હતી અને તેમના મોંઢા પર ઓશિકા મુકેલા હતા. તેમના માથાના ભાગે કોઈ વજનદાર બોથડ પદાર્થ મારીને હત્યા કરાઈ હતી પલંગ અને હાથ લોહીથી ખરડાયા હતા. આ બનાવની ગોરવા પોલીસ મથકમાં ચિરાગભાઈએ અજાણ્યા હત્યારાઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને માહિતી મળી હતી કે આધેડ વયના રામલાલને એક યુવતી સાથે લગ્નેત્તર સંબંધ હતા અને તે તેમની સાથે જ ફ્લેટમાં લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી તે મધરાત્રે મકાનને તાળા મારીને રવાના થઈ છે. ગોરવા પોલીસે યુવતીની શોધખોળ શરૂ કરી ૨૨ વર્ષીય કિંજલ કમલેશભાઈ પટેલ (જીવાભાઈ ફ્લેટ, ગોરવા) અને તેના પ્રેમી ૨૪ વર્ષીય કૃણાલ મનીષભાઈ દુલેરા (મોટીવોરવાડ વાગની ડેલી સામે, કપડવંજ)ને આણંદની હોટલમાં ઝડપી પાડ્યા હતા. આ બંનેની એસીપી બકુલ ચૈાધરીએ પુછપરછ કરતાં કિંજલે જણાવ્યું હતું કે મારી માતાના અવસાન બાદ હું જીવાભાઈ ફ્લેટમાં રહેતા મામાના ઘરે રહેતી હતી. રામલાલ પણ અમારી સામે જ રહેતા હોઈ હું વર્ષોથી તેમના ઘરે અવરજવર કરતી હતી અને હું પુખ્ત બનતા મારા તેમની સાથે પ્રેમસંબંધ બંધાતા હું રામલાલ સાથે તેમના ફ્લેટમાં લિવ ઈન રિલેશીનશીપમાં રહેતી હતી. મને થોડાક સમય અગાઉ કૃણાલ સાથે સાથે પ્રેમસંબંધ બંધાયા હતા પરંતું રામલાલ અમારા પ્રેમસંબંધનો વિરોધ કરતા હતા. 

 રામલાલ અમારુ લગ્ન થવા નહી દે તેવી જાણ થતા અમે તેમની હત્યા કરવાનું નક્કી કર્યું હતું અને શનિવારની રાત્રે મે કૃણાલને ફ્લેટમાં બોલાવ્યા હતો અને અમે નિંદ્રાધીન રામલાલના મોંઢા પર ઓશીકુ દબાવી તેમજ માથામાં વાંસલો (હથોડા જેવા હથિયાર)ના ફટકા મારી તેમની નિદ્રાધીન અવસ્થામાં હત્યા કરી હતી અને તુરંત ફ્લેટને તાળા મારીને કૃણાલની બાઈક પર કપડવંજ ગયા હતા. ત્યાં બાઈક મુકી અમે કૃણાલની મિત્રની કારમાં આણંદની હોટલમાં ગયા હતા જયાંથી પોલીસે અમને ઝડપી પાડ્યા છે.

કિંજલ મોજશોખ પુરા કરવા રામલાલનો ઉપયોગ કરતી હતી 

૨૨ વર્ષીય કિંજલ મામા સાથે રહેતી હતી પરંતું મામાની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે તે વેરા નહી ભરી શકતા લાઈટ અને પાણીનું કનેકશન પણ કપાઈ ગયું છે. બીજીતરફ કિંજલ રામલાલના પૈસા મોજશોખ કરતી હોઈ તેના મામાએ તેને સુધરી જવા ઠપકો આપ્યો હતો. આ ઠપકા બાદ નફ્ફટ કિંજલ મામાની નજર સામે જ રામલાલના ફ્લેટમાં રહેવા જતી રહી હતી. તેને કૃણાલ સાથે પણ પ્રેમસંબંધ હતા પરંતું તે રામલાલનો માત્ર મોજશોખ પુરા કરવા ઉપયોગ કરતી હતી.

પોત્રી જન્મદિવસે રામલાલની રાહ જાેતી હતી

રામલાલ પરિણીત છે અને તેના પુત્ર શૈલેષને પણ એક પુત્રી છે. ગત શનિવારે તે પૈાત્રીના જન્મદિવસે ઘરે જવાના હતા પરંતું તે ઘરે નહી આવતા કે પૈાત્રીને ફોન પર પણ શુભેચ્છા નહી આપતા પૈાત્રી આતુરતાથી દાદાની રાહ જાેઈ હતી. જાેકે વ્હાલી પૈાત્રીને મળવા માટે પિતા નહી આવતા પુત્ર શૈલેષને કંઈક થયુ હોવાની શંકા ગઈ હતી અને એટલે જ તેણે પિતાના ફ્લેટના તાળા તોડી અંદર તપાસ કરવા જણાવ્યું હતું અને તેની શંકા સાચી પુરવાર થઈ હતી.

હત્યામાં વપરાયેલો વાંસલો ભરવેલના તળાવમાંથી મળ્યુ

૧૦મુ પાસ કિંજલ અને ખાનગી ગાડીઓનું ડ્રાઈવીંગ કરતા કૃણાલે એટલી ક્રુરતાપુર્વક હત્યા કરી હતી કે રામલાલની ખોપડી પણ ફાટી ગઈ હતી. હત્યા બાદ કિંજલ અને કૃણાલ તુરંત બાઈક પર કપડવંજ ગયા હતા અને રસ્તામાં આવેલા ભરવેલ ગામના તળાવમાં તેઓએ લોહીથી ખરડાયેલું હથિયાર વાંસલો તળાવમાં ફેંકી દીધુ હતું. પોલીસે બંનેની પુછપરછ કરી આજે તળાવમાંથી ઉક્ત હથિયાર શોધી કાઢ્યું હતું.