ભાવનગર-

તાઉતે વાવાઝોડાની વધુ અસર દરિયાકાંઠે થવાની ભીતિ હતી. અલંગ શિપબ્રેકિંગનો ઉદ્યોગ દરિયા સાથે જ સંકળાયેલો છે. દરિયાકાંઠે જ જહાજ ભાંગવામાં આવે છે. આ વાવાઝોડાએ અલંગને 80 કરોડ જેટલું નુકસાન પહોચાડ્યું છે. જો કે આગમચેતીના લેવાયેલા પગલાઓ થકી આ ઉદ્યોગને મોટું નુકસાન થયું નથી. આ સમયે અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવેલા 7 જહાજો સરકારી પ્રક્રિયાઓની પૂર્ણતા માટે એન્કરેજ પર બહારપાણીએ ઉભા હતા. ભાવનગરનો દરિયો સામાન્ય દિવસોમાં પણ કરન્ટવાળો હોય છે અને જહાજ અહીં હિલોળા લે છે. દરિયાઇ વાવાઝોડામાં આ જહાજોની અને તેમાં સામેલ ક્રૂ મેમ્બરોની શું હાલત થશે તેની કલ્પના માત્રથી રૂંવાટા બેઠા થઇ જાય તેમ હતુ. પરંતુ ગુજરાત મેરિટાઇમ બોર્ડ, કસ્ટમ્સ, જીપીસીબી અને સંબંધિત સરકારી વિભાગોના હકારાત્મક વલણને કારણે બહારપાણીએ બીચિંગની રાહ જોઇ રહેલા તમામ જહાજને રવિવારે સંબંધિત પ્લોટમાં બીચ કરાવવામાં આવ્યા હતા. જેના કારણે વધુ ખાનાખરાબી ટળી હતી. તેમ છતાં કુલ નાનું મોટું અંદાજે 80 કરોડ જેટલું નુકસાન થયું હતું.