વડોદરા : શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે સિમેન્ટ કોંક્રિટ મિક્સર ટ્રકમાં છૂપાવેલો દારૂ ઝડપી પાડ્યો હતો. આ દારૂના જથ્થામાં બે આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં હતા.

શહેરની પાણીગેટ પોલીસને બાતમી મળતાં વાઘોડિયા રોડ સ્થિત વૈકુંઠ સોસાયટી નજીક ગજાનંદ ફ્લેટ પાસે વિક્રમ નટવરસિંહ ચાવડા (રહે. ગજાનંદ સોસાયટી, વાઘોડિયા રોડ), નીલેશ પટેલ (રહે. કિશનવાડી)ના માણસો વિદેશી દારૂ મંગાવીને કટિંગ કરી રહ્યા છે, જેને આધારે પાણીગેટ પોલીસે રેડ પાડી હતી. જ્યાં એક સિમેન્ટ કોંક્રિટ મિક્સર ટ્રક જપ્ત કરી તેને પોલીસ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી હતી. જેમાંથી ૧૪ લાખ રૂપિયાની કિંમતનો દારૂ અને બિયર મળી આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી. ટ્રકમાંથી પ્રતિક ઉર્ફે ગોબો રમેશચંદ્ર ભટ્ટ (રહે. સ્લમ ક્વાર્ટ્‌સ, ૨૮૪, બાવચાવડ, પાણીગેટ) અને વિરલ વિક્રમભાઇ મિસ્ત્રી (રહે. વાડી, ભાંડવાડા)ની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી. પાણીગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફને બહાર બોલાવીને સિમેન્ટ કોંક્રિટ મિક્સર ટ્રકમાંથી દારૂનો જથ્થો ખાલી કરાવ્યો હતો અને પોલીસ કર્મચારીઓને મશીનમાંથી દારૂનો જથ્થો ખાલી કરવામાં એક કલાકથી વધુ સમય લાગ્યો હતો.

પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂા.૧૪ લાખની કિંમતનો દારૂ-બિયર, ૧૫ લાખની કિંમતનું સિમેન્ટ કોંક્રિટ મિક્સર ટ્રક, ૫ લાખની કિંમતની કાર, રોકડા ૪૨ હજાર રૂપિયા, ૬ મોબાઇલ ફોન સહિત કુલ ૩૪,૭૧,૨૦૦ રૂપિયાનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે પ્રતિક અને વિરલ નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે વિક્રમ અને નીલેશને વોન્ટેડ જાહેર કર્યાં છે.

દારૂના ધંધાની ધીકતી કમાણીથી બૂટલેગર રાતોરાત પૈસાદાર

કરણીસેનાના સેનાપતિ લખેલી ફોચ્ર્યુનર કારમાં ફરતા બૂટલેગર વિક્રમ ચાવડાને ત્યાં અગાઉ પણ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામોની સામે રકમ લખેલી લાલ ડાયરી મળી આવી હતી. ત્યારે અગાઉ સુલેમાની ચાલના છાપરામાં રહેતો બૂટલેગર વિક્રમ ચાવડા હાલ ચાર વૈભવી કાર અને પાંચ મકાનો ઉપરાંત ફાર્મ હાઉસ ધરાવે છે.

વાડી પોલીસ મથકના બે જવાનોની ભેદી હાજરીથી આશ્ચર્ય

વૈકુંઠ સોસાયટીમાં બૂટલેગર વિક્રમ ચાવડાના અડ્ડા ઉપર વાડી પોલીસ મથકના બે પોલીસ કર્મચારીઓની ભેદી હિલચાલ રહેતી હતી. જાે આ બૂટલેગરોનું કોલ લોકેશન કઢાવે તો ચોંકાવનારી માહિતી બહાર આવે એમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાણીગેટ પીઆઈ હાલમાં જ વાડીથી બદલી થતાં આવ્યા છે.