દેવગઢબારિયા, છેલ્લા ત્રણ વર્ષમાં દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પકડાયેલા રૂપિયા ૧,૪૯,૬૨,૭૫૮ ની કુલ કિંમતના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો દાહોદ મામલતદાર તથા તાલુકા પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ અધિકારી તેમજ અન્ય અધિકારીની હાજરીમાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. 

 પોલીસ વિભાગના સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ દાહોદ તાલુકા પોલીસે પોતાના તાબાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ છાપો મારી નાકાબંધી કરી તેમજ જરૂરી વોચ ગોઠવી છેલ્લા ત્રણ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૭-૧૮,૨૦૧૮-૧૯ તથા ૨૦૧૯-૨૦ દરમિયાન રૂપિયા ૧,૪૯, ૬૨ ૭૫૮/- ની કુલ કિંમતની ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ બીયરની બોટલ નંગ ૧,૭૪,૫૨૩ ઝડપી પાડી હતી. સદર દારૂનો જંગી જથ્થો નાશ કરવાના હેતુથી તાલુકા પોલીસ સ્ટેશનેથી ટ્રકોમાં ભરી દાહોદ તાલુકાના દાહોદ ઝાલોદ રોડ પર આવેલ છાપરી ગામે પી.સી.સી નજીક ખુલ્લા મેદાનમાં લાવી કાલ આપવામાં આવ્યો હતો અને દાહોદ મામલતદાર દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ અધિકારી અન્ય અધિકારી તેમજ પોલીસ કાફલાની હાજરીમાં સદર દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

અત્રે નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં ગાંધીના ગુજરાતમાં આવેલા દાહોદ જિલ્લાના કુલ ૧૪ પોલીસ સ્ટેશનો પૈકી માત્ર દાહોદ તાલુકા પોલીસ સ્ટેશન ના હદ વિસ્તાર માંથી કરોડોનો દારૂ પકડાયો હોય તો જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના આજ વિસ્તારમાંથી કુલ કેટલો દારૂ પકડાયો હશે જાે આટલો દારૂ પકડાતો હોય તો જિલ્લામાં કેટલો દારૂ પીવાતો હશે તે તે આંકડો જાણીને જ આંખો ફાટી જાય તેમ છે એના પરથી સમજી શકાય છે કે પોલીસની કરડાકીથી કરોડો રૂપિયા નો દારુ પકડાય છે તો પોલીસની રહેમ નજર હેઠળ કેટલો દારૂ વેચાતો હશે તે એક વિચાર માંગી લે એવો કોયડો છે. પોલીસે સતર્ક રહેવું જરૂરી બન્યું છે.