વડોદરા : માંજલપુરમાં આવેલા ખાનગી ક્લાસમાં ધો.૧૨ (સાયન્સ)માં અભ્યાસ કરવા જતી ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીને પોતે બોર્ડનો મેમ્બર હોવાનું કહી તેમજ પરીક્ષામાં પાસ કરી દેવાની લાલચ આપીને તેની પાસેથી વાંધાજનક ફોટા અને વિડિઓ ક્લિપિંગ મેળવ્યા બાદ તે વાયરલ કરવાની ધમકી આપી તેની પર બળાત્કાર ગુજારનાર શિક્ષકને અત્રેની અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી.

માંજલપુરમાં રહેતી ૧૬ વર્ષીય રીના (નામ બદલ્યુ છે) ગત ૨૦૧૮માં ધો.૧૨ (સાયન્સ)માં અભ્યાસ કરતી હોઈ તે માંજલપુર વિસ્તારના જય ટ્યુશન ક્લાસીસમાં જતી હતી. આ દરમિયાન ક્લાસમાં બાયોલોજીનો ક્લાસ લેતા ૪૨ વર્ષીય વિનુ માંડણભાઈ કાતરિયા- આહીર( મુળ રહે. ઢોકડવા ગામ, ગીર અને હાલ સહજાનંદ ડુપ્લેક્સ, ચાણક્યનગરી, કલાલીરોડ)એ રીન પર દાનત બગાડી હતી. તેણે રીનાને જણાવ્યું હતું કે હું ધો.૧૨ના બોર્ડનો સભ્ય છું અને તને પરીક્ષામાં પાસ કરાવી દઈશ. તેણે પાસ કરાવવાની લાલચ આપી માસુમ રીના સાથે શારીરિક અડપલા શરૂ કર્યા હતા અને ત્યારબાદ ગત જાન્યુઆરી-૨૦૧૮થી માર્ચ-૨૦૧૮ના સમયગાળામાં રીના પર સૈાપ્રથમ વાર ટ્યુશન ક્લાસમાં અને ત્યારબાદ પોતાના ઘરે અને અમદાવાદની લોટસ હોટલમાં લઈ જઈ રીના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.એટલું જ નહી તેણે રીના પાસેથી તેની નગ્ન હાલતમાં ૫૯ ફોટા અને બળાત્કાર સમયની વિડીઓ ક્લિપીંગ પણ ઉતારી હતી અને ત્યારબાદ આ ફાટો અને ક્લિપિંગ વાયરલ કરવાની તેમજ જાનથી મારી ધમકી આપી તેણે રીનાનું વારંવાર જાતિય શોષણ કર્યું હતું. દરમિયાન રીનાના પિતાએ તેનો મોબાઈલ ફોન ચેક કરતા તેમાં શિક્ષક વિનુએ અત્યંત ઘૃણાસ્પદ મેસેજ અને ચેટીંગ કર્યું હોવાની જાણ થતાં તે ચોંકી ઉઠ્યા હતા. તેમણે રીનાની પુછપરછ કરતા તેણે શિક્ષક વિનુએ તેની પર અવારનવાર બળાત્કાર કર્યો હોવાનું જણાવ્યું જેથી આ બનાવની માંજલપુર પોલીસ મથકમાં ગત ૨૦૧૮માં ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે વિનુ કાતરિયા વિરુધ્ધ બળાત્કાર તેમજ પોક્સો, એટ્રોસિટી એક્ડટ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી તેમજ તેને જ્યુડીશિયલ કસ્ટડી હેઠળ જેલભેગો કર્યો હતો. આ કેસ અત્રેની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ એચ ચાર જાેષીની દલીલોને ગ્રાહ્ય રાખી સ્પેશ્યલ પોક્સો અને એડી.સેશન્સ જજ ગીરીશકુમાર પાસીએ આ કેસના આરોપી શિક્ષક વિનુ કાતરિયાને આજીવન કેદની સજા ફટકારી ૧૩ હજારનો દંડ ભરવાનો આદેશ કર્યો.

સંતાનોને સ્માર્ટ ફોન આપતાં વાલીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો

આ ઘટના દરેક વાલીઓની આંખ ઉઘાડનારી અને સમાજમાં લાલબત્તી સમાન હોવાની ચેતવણી આપતા કોર્ટે નોંધ્યું હતું કે વિભક્ત અને નાના કુટુંબમાં રહેતા વાલીઓ પોતાના વ્યવસાયમાં વ્યસત રહેતા હોઈ તેઓ સગીર સંતાનો અભ્યાસ અને દૈનિક કામકાજમાં પાછળ ના રહી જાય તેવા હેતુથી અનલિમીટેડ કોલીંગ અને ડેટા સહિત સ્માર્ટફોન અપાવે છે. જાેકે સગીર સંતાનોને સ્માર્ટ ફોન જેવા ડિવાઈસ અપાવ્યા બાદ તેમનું બાળક કંઈ કઈ પ્રવૃત્તી માટે તેનો ઉપયોગ કરે છે તેની સંતાનો સાથે બેસી વિસ્તૃત ચર્ચા કરી સંતાનોનો વિશ્વાસ સંપાનદ કરવો જાેઈએ.

બાયોલોજીનું શિક્ષણ આપવાના બદલે વિનુ ‘સેક્સ ગુરુ’ બન્યો

કોર્ટે નોંધ્યું હતું કે બનાવ વખતે વિનુ ૪૦ વર્ષનો હતો તેમજ તે પરિણીત અને એક પુત્રીનો પિતા હોવા છતાં તેણે તેનાથી ૨૩ વર્ષ નાની વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારી શિક્ષક અને વિદ્યાર્થિની વચ્ચેના પવિત્ર બંધન અને વ્યવસાયને લાંછન લાગે તેવું જઘન્ય કૃત્ય આચર્યું છે. પોતાની દિકરીની ઉંમરની વિદ્યાર્થિનીને બાયોલોજી વિષયનુ શિક્ષણ આપવાના બદલે તેણે સેક્સ ગુરુ બની વિકૃત માનસિકતા દાખવી છે.

વિનુને એલેમ્બિક સ્કૂલમાંથી બરતરફ કરાયો

વિનુ કાતરિયાની ગત ૨૦૦૯માં શિક્ષણ વિભાગ દ્વારા ગોરવા રોડની એલેમ્બિક સ્કુલમાં બાયોલોજી ટીચર તરીકે નિયુક્તી કરાઈ હતી અને તેની સાથે બળાત્કારની ફરિયાદ થતા તેને સ્કુલમાંથી બરતરફ કરાયો હતો. વિનુએ એવો બચાવ કર્યો હતો કે રીનાની ફી બાકી હોઈ તેની અદાવતે તેની સામે ખોટી ફરિયાદ કરાઈ છે પરંતું ટ્યુશન ક્લાસની ફી બાકી હોય તો ક્લાસ સંચાલક જય પટેલ સાથે વિવાદનો વિષય છે જેને કલાસ સંચાલકે સમર્થન આપ્યું નહોંતુ. પોલીસે ગત ૪-૮-૧૮માં વિનુના ઘરે ટેબલ પરથી તેનો એપલ કંપનીનો આઈફોન -૬ કબજે કર્ય હતો પરંતું તેણે મોબાઈલનો પાસવર્ડ પોલીસને નહી આપતા તેને એફએસએલમાં મોકલી ત્યાંથી બિભત્સ ચેટીંગ અને વિદ્યાર્થિનીના નગ્ન ફોટા અને ક્લિપિંગના પુરાવા કબજે કર્યા હતા.