આણંદ, નડિયાદ : મધ્યપ્રદેશ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને લઈને કડાણા ડેમમાં પાણીની આવક ૨.૩૫ લાખ ક્યૂસેક થઈ હતી. પરિણામે કડાણા ડેમનું લેવલ વધ્યું હતું. કડાણા ડેમનું લેવલ ૪૦૮.૦૭ ફૂટ તથા આવક ૨.૩૫.૨૭૧ ક્યૂસેક છે. કડાણા ડેમની પૂર્ણ સપાટી ૪૧૯ ફૂટ (૧૨૭.૭૧ મીટર) છે, જેથી ડેમમાં હાલ ૭૦%થી વધુ પાણી ભરાઈ ચૂક્યું છે. કડાણા ફ્લડ સેલ દ્વારા વોર્નિગ સ્ટેજ જાહેર કરવામાં આવ્યું હતું. કડાણા ડેમમાંથી સોમવારે સાંજના ૬ કલાકે ૧.૧૨ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. વણાંક બોરી ડેમ ૨૨૧.૫૦ મીટરે પહોંચ્યું હતું. તેમાંથી પણ પાણી છોડવામાં આવ્યું હતું, જેની અસર આણંદ-ખેડા જિલ્લાના ગામડાંને થઈ હતી. ગળતેશ્વર, ઠાસરા અને બાલાસિનોર તાલુકોના તથા આણંદ જિલ્લાના ઉમરેઠ અને આંકલાવ અને બોરસદ તાલુકાના ૩૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. આણંદ જિલ્લાના મહિકાંઠા વિસ્તારના ગામોના ગ્રામજનોને સાવચેત રહેવા અને નદીકાંઠા સુધી નહીં જવા સૂચના અપાઈ હતી. પોતાના પશુઓને પણ નદી કિનારે નહીં લઇ જવા કહેવાયું હતું. પશુપાલકોને તેમનું પશુધન સલામત સ્થળે ખસેડી લેવા કલેક્ટર આર.જી.ગોહિલે તાકીદ કરી હતી. આણંદ જિલ્લાના મહિનદી કાંઠા વિસ્તારના ગામોની જનતાને નદી કિનારે કે નદીમાં નહીં જવા પણ તાકીદ કરવામાં આવી હતી. આ સાથે જિલ્લા કલેકટરે ભારે વરસાદના પગલે સોમવારથી આણંદ, બોરસદ, ઉમરેઠ, આંકલાવના પ્રાંત અધિકારી, મામલતદાર સહિત ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક તલાટી મંત્રીને પોતાના હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા તાકીદ કરી હતી.