અમદાવાદ-

ગુજરાતના કેવડીયા ખાતે પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સરદાર વલ્લભભાઈ પટેલનું દુનિયાની સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા બાદ પ્રધાનમંત્રી અનેક વાર કેવડીયા ખાતે આવી ચુક્યા છે અને કેટલાય પ્રોજેક્ટનાં અનાવરણ કરીને જાહેર જનતા માટે વોટર સ્પોર્ટ્સ, કેક્ટસ ગાર્ડન સહીત અનેક સુવિધાઓ જેવી કે ટેન્ટ સીટી ને ખુલ્લા મુકવામાં આવ્યા છે, હાલમાં 4 માર્ચથી 6 માર્ચ સુધી ઓલ ઇન્ડીયા ટોપ કમાન્ડર કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આર્મી, નેવી અને એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં આજે શુક્રવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઉપસ્થિત રહેવાના છે, તેમની સાથે આર્મી, નેવી અને એરફોર્સના ચીફ, ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ ઉપસ્થિત રહેવાના છે, આવતીકાલે આ કોન્ફરન્સનાં પુર્ણાહુતી સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહીને ટોપ કમાન્ડર કોન્ફરન્સને સંબોધન કરવાના છે, તેના માટે પહેલા તેઓ વડોદરા ખાતે આવી પહોચીને હેલીકોપ્ટર દ્વારા કેવડીયા પહોચવાના હતા પરંતુ તેમનો તે કાર્યક્રમ બદલીને હવે અમદાવાદ આવીને અમદાવાદથી સીપ્લેન મારફત તેઓ કેવડીયા પહોચશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. કહેવામાં આવે છે કે કેવડીયા ખાતે સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અનેક મહત્વની કોન્ફરન્સો અહિયાં યોજાઈ ગઈ છે, ટોપ કમાન્ડર કોન્ફરન્સમાં દેશની આંતરિક અને બહારની સુરક્ષાનાં મુદ્દાઓ માટે ગહન ચર્ચા કરવામાં આવનાર છે, આ ત્રણ દિવસ માટે કેવડિયામાં અભેદ્ય કિલ્લા જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.