વડોદરા મહાનગર પાલિકાના નવા બોર્ડમાં મેયર.ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, નેતા અને દંડકની વરણીમાં તમામ વિધાનસભા વિસ્તારને ન્યાય આપવામાં આવ્યો છે. જેમાં મેયરપદે કેયુર રોકડીયા સયાજીગંજ વિધાનસભામાં જીતુ સુખડિયાના વિસ્તારમાંથી આવે છે.આજ પ્રમાણે ડેપ્યુટી મેયર નંદાબેન શ્રીકાંત જાેશી વિધાનસભાના અધ્યક્ષ રાજુ ત્રિવેદીના વિસ્તારમાંથી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પ્રભુદાસભાઇ પટેલ ધારાસભ્ય મનીષાબેન વકીલના વિસ્તારમાંથી, પક્ષના નેતા અલ્પેશ મધુસુદન લીંબાચીયા નર્મદા મંત્રી યોગેશ પટેલના વિસ્તારમાંથી અને દંડક ચિરાગ દિલીપભાઈ બારોટ અકોટાના ધારાસભ્ય સીમા મોહિલેના વિસ્તારમાંથી આવે છે. આમ વડોદરા શહેરની પાંચે પાંચ વિધાનસભા માટે વિસ્તારને પાલિકાના હોદ્દેદારોમાં સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રથમ સભામાં જ ભાજપ કોંગ્રેસ વચ્ચે વાક્‌યુદ્ધ છેડાયું

વડોદરા મહાનગર પાલિકાની મેયર કેયુર રોકડીયાની અધ્યક્ષતામાં ગાંધી નગરગૃહ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે વાક યુદ્ધ છેડાયું હતું.બન્યું એમ કે, કોંગ્રેસના પીઢ કાઉન્સિલર અને માંજલપુર વિસ્તારમાંથી સતત છ-છ ટર્મથી ચૂંટાઈ આવતા ચિરાગ ઝવેરી આ વખતના ચૂંટણી હારી જતા એમના રાજકીય હરીફ

કલ્પેશ પટેલ -જય રણછોડે હવે શાંતિ થઇ ગઈ એમ કહી ચિરાગ ઝવેરીનું નામ લીધા વિના પ્રહારો કાર્ય હતા.આ પ્રમાણે વોર્ડ-૧૨ના મનીષ પગારેએ પણ એમની વાતને ટેકો આપતા હોય એમ શાંતિની વાત દોહરાવી હતી.આનો વળતો સણસણતો જવાબ કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ-ભથ્થુભાઈ,પુષ્પાબેન વાઘેલા,જહાં ભરવાડ,અલ્કબેન પટેલ, હરીશ પટેલ સહિતના તમામ કાઉન્સિલરોએ આપ્યો હતો. તેમજ ભાજપવાળાની બોલતી બંધ કરી દીધી હતી.

પાલિકાના વોર્ડ-૮માંથી હોદ્દેદારોની પરંપરા જારી રહી

વડોદરા શહેરના ઈલેક્શન વોર્ડ-૮માંથી જે જે ઉમેદવારો કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવે છે.એ પાલિકામાં ઉચ્ચ હોદ્દાએ બિરાજમાન થાય છે.એ પરંપરા કેયુર રોકડીયાની મેયર પડે વરણી થતા જળવાઈ રહયાનું વધુ એકવાર સાબિત થઇ ચૂક્યું છે. આ અગાઉના પૂર્વ મેયર ડો.જિગીષાબેન શેઠ અને ભારતીબેન વ્યાસ પણ વોર્ડ-૮માંથી આવ્યા હતાશ. આ વોર્ડના ડો.જિગીષાબેન શેઠ દ્વારા સ્થાયી સમિતિનું અધ્યક્ષપદ પણ શોભાવ્યું હતું. એ સિવાય પૂર્વ સ્થાયી અધ્યક્ષ અજિત પટેલ અને સ્નેહલ શ્રીખંડે પણ વોર્ડ ૮માંથી ચૂંટાઈ આવ્યા હતા.

મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર કરીને કાર્યનો પ્રારંભ કરવા કચેરીએ પહોંચ્યા

વડોદરા પાલિકાના ચૂંટાયેલા હોદ્દેદારો અને શાસક -વિપક્ષના તમામ કાઉન્સિલરો ગાંધી નગરગૃહ ખાતે પ્રથમ સામાન્ય સભા પૂર્ણ કરીને ગૃહની બહાર આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર કરીને ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા. આ ઉપરાંત અન્ય મહાનુભાવોએ પણ ગાંધીજીની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી હતી.

પાલિકાના ઉચ્ચ હોદ્દાના દાવેદારોને ઠંડા

પાડવા માટે સ્થાયી સમિતિમાં સમાવાયા

પાલિકાના ઉચ્ચ હોદ્દાના દાવેદારોને ઠંડા પાડવાને માટે સ્થાયી સમિતિમાં સમાવાયા છે. આ હોદ્દેદારોમાં સૌથી ઉપર પરાક્રમસિંહ જાડેજાનું નામ છે. જેઓના નામની ચર્ચા મેયરપદની રેસમાં હતી. આ ઉપરાંત નિલેશ રાઠોડ, કલ્પેશ પટેલ, મનોજ પટેલ,ડો.શીતલ મિસ્ત્રી,અજિત દધીચ, સ્નેહલબેન પટેલ વગેરેનો સમાવેશ થાય છે. એ સિવાય રશ્મિકાબેન વાઘેલા, શ્રીરંગ આયરે, પૂનમબેન શાહનો સ્થાયીમ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્થાયી સમિતિની મિટિંગ ગાંધી નગરગૃહ ખાતે મળી

વડોદરા મહાનગર પાલિકાના નવ નિયુક્ત હોદ્દેદારોની વરણી પછીથી પ્રથમ સામાન્ય સભા ગાંધી નાગરગૃહ ખાતે મળી હતી.ત્યારબાદ સ્થાયી સમિતિની સૌ પ્રથમ મિટિંગ પણ ગાંધી નગર ગૃહ ખાતે મળી હતી.ત્યાં મુખ્ય મંચની પાછળના ભાગમાં ખાસ ઉભા કરાયેલા ખંડમાં સ્થાયી સમિતિની પ્રથમ મિટિંગ મળી હતી.જેમાં બારેબાર સભ્યોએ એક બીજાનો પરિચય આપ્યો હતો.આ ઉપરાંત પાલિકાના કમિશનર સ્વરૂપ.પી.એ પણ પોતાનો પરિચય આપ્યો હતો.

પાલિકા કચેરીએ વિજય મુહૂર્તમાં ૧૨.૩૯ મિનિટે પ્રવેશ કર્યો

વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૧માં વિજેતા બનેલા અને વિવિધ હોદ્દાઓ પર સર્વ સંમતિથી નિયુક્ત થયેલા મેયર,ડેપ્યુટી મેયર,સ્થાયી સમિતિના અધ્યક્ષ,શાસક પક્ષના નેતા અને દંડક તથા સ્થાયી સમિતિના તમામ સભ્યો સહિતના ચૂંટાયેલા કાઉન્સિલરોએ ખંડેરાવ માર્કેટ સ્થિત કચેરીએ બપોરે ૧૨/૩૯ મિનિટના સમયે વિજય મુહર્તમાં પ્રવેશ કર્યો હતો.સમય કરતા ચાર -પાંચ મિનિટ વહેલા માર્કેટ પહોંચેલા મેયર સહિતના હોદ્દેદારો શહેર પ્રમુખ ડો.વિજય શાહ,મહામંત્રી સુનિલ સોલંકી,પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સહિતના અગ્રણીઓ સાથે મુખ્ય દરવાજા પાસે ઉભા રહ્યા હતા.તેમજ બરાબર ૧૨.૩૯ના સમયે પ્રવેશ કરી રેડ કાર્પેટ પર પગ મુખ્ય હતા.