ગાંધીનગર-

અમદાવાદ અને રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થતાં વિજય રૂપાણીની સરકારે અમદાવાદમાં આજથી અમલમાં આવે એ રીતે રાત્રિ કરફ્યુની જાહેરાત કરી છે. અમદાવાદમાં 60 કલાકના કરફ્યુની જાહેરાત એ પણ તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આખા રાજ્યમાં લોકડાઉન લાગુ થશે એવી પણ વાતો ફેલાઈ છે. ત્યારે આને માત્ર અફવા ગણાવીને રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે આખા ગુજરાતમાં લોકકડાઉન લાગુ કરવાનો સરકારનો કોઈ ઇરાદો નથી. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યની જનતાએ આવી અફવાથી ભરમાવું ન જોઈએ.

ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ અચાનક કોરોનાના કેસો વધી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં સંક્રમણ વધતા હોસ્પિટલો દદીઓથી ઉભરાઈ રહી છે. આ સ્થિતિમાં અમદાવાદ શહેરમાં 57 કલાકનુ્ં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે જ ગુજરાતમાં પણ લોકડાઉન થશે તેવી ચર્ચાઓ તેજ બની હતી. જો કે, મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં લોકડાઉનની વાત માત્ર અફવા છે. ગુજરાતમાં લોકડાઉન નહીં થાય.સીએમ રુપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે. 

અમદાવાદમાં તકેદારીના ભાગરુપે વીકએન્ડ કફર્યુ લાદવામાં આવ્યું છે. પણ ગુજરાતમાં લોકડાઉન નહીં થાય. કફર્યુ માત્ર અમદાવાદ પુરતું જ અમલી રહેશે. વિજયભાઈએ ઉમેર્યું હતં કે, કોરોના સામે લડવા સરકાર સજ્જ છે. માસ્ક ન પહેરનાર અને નિયમોનું પાલન ન કરનાર લોકો સામે પોલીસ કાર્યવાહી કરશે.ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો ખુલવાની હતી પરંતુ કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાને લેતા આ નિર્ણય મોકૂફ રખાયો છે જે અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, શાળા-કોલેજો ખોલવા અંગેનો નિર્ણય હવે પછીની બેઠકમાં લેવામાં આવશે.