અમદાવાદ-

કોરોના મહામારીના કારણે રાજય સરકારે દિવાળી-નવરાત્રિ જેવા તહેવારો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. રાજય સરકારે બહાર પાડેલી કોરોના ગાઈડલાઈનમાં પણ નવરાત્રિમાં ૨૦૦ લોકો જ ભેગા થવા અને કોઈ પણ જાતના પ્રસાદ વિતરણ ન કરવાની જાહેરાત કરાઈ હતી. જેના કારણે અસંખ્ય માઈ ભકતોની લાગણી દુભાઈ હતી. પરંતુ આજે મંદિરોમાં પ્રસાદ અંગે કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય કર્યો છે.આજની કેબિનેટની બેઠકમાં મંદિરોમાં પ્રસાદ અંગે રાજય સરકારે માઈ ભકતોને એક ખુશખબર આપ્યા છે. હવેથી મંદિરમાં પેકકવરમાં પ્રસાદ વહેંચી શકવાનો નિર્ણય લીધો છે. સરકારે પોતાની જૂની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો છે. ત્યારબાદ રાજયના ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાહેજાએ પોતાનું નિવેદન આપ્યું છે. પ્રદીપસિંહ જાડેજાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કોઈપણ મંદિર દર્શન માટે બંધ કરાયા નથી. મંદિરમાં પૂજા - આરતી, હવન વગેરે ચાલુ જ છે. કેટલાક મંદિરના ટ્રસ્ટીઓએ આ નિર્ણય લીધો છે. નવરાત્રીમાં પ્રસાદ માટેની SOP માં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે.

રાજય સરકારે પોતાની ગાઈડલાઈનમાં ફેરફાર કરીને પ્રસાદ માટે નીચે મુજબની છૂટછાટ આપી

- એક વ્યકિત જેટલો પ્રસાદ વિવિધ પેકેટમાં પેક કરીને એક ટેબલ પર મૂકી દેવાય, જેથી એને વહેંચવાની જરૂર જ ન રહે. 

- દરેક વ્યકિત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી જાતે જ પ્રસાદ લઇ લે. 

- પ્રસાદને પેક કરતાં પહેલાં હાથને સેનિટાઇઝ કરી દેવા, જેથી તે સુરક્ષિત થઇ જાય.

- જો પ્રસાદનું વિતરણ કરવું હોય તો ગ્લોવ્ઝ પહેરીને એનું વિતરણ થઇ શકે અથવા તો જે વ્યકિત વહેંચે તે હાથને સેનિટાઇઝ કરીને અને માસ્ક પહેરીને કરી શકે.

સીંગ-સાકરિયા, રેવડી, ટોપરાની છીણ, પિપરમિન્ટ કે એવો છૂટો પ્રસાદ નાની થેલીઓમાં કે પેપરમાં પેક થઇ શકે, જેથી લોકો જાતે લઇ શકે. મીઠાઇના વેપારીઓ પણ એક વ્યકિત મીઠાઇ લઇ શકે તેવા પેકેટમાં એ પેક કરી શકે.

ગાંધીનગરમાં પ્રદિપસિંહ જાડેજાએ કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, રાજયમાં તમામ મંદિરો દર્શન માટે ખોલવાનો નિર્ણય લેવાયો છે. નવરાત્રીમાં લાખો ભકતો દર્શન માટે આવતા હોય છે. તમામ મંદિરોમાં પૂજા-અર્ચના કરી શકાશે. તમામ મંદિરોમાં LED થકી દર્શન કરાવાશે. પ્રસાદ આપવાના નિર્ણયમાં પણ સુધારો કરાયો છે. મંદિરો બંધ પેકિંગમાં પ્રસાદ આપી શકાશે. અગાઉ પ્રસાદ નહીં વહેંચવા નિર્ણય લેવાયો હતો પણ હવે પ્રસાદ વહેંચી શકાશે પરંતુ બંધ પેકિંગમાં જ પ્રસાદ વહેંચી શકાશે.