દિલ્હી-

કોરોનાની બીજી લહેરે આખા દેશમાં હાહાકાર મચાવી દીધો છે. દિલ્હીમાં પણ હોસ્પિટલમાં બેડની અછત છે અને લોકો કોરોનાની દવા મેળવવા માટે આમતેમ ભટકી રહ્યા છે. ભાસ્કરની ટીમે દેશની સૌથી મોટી હોસ્પિટલ દિલ્હી એઇમ્સ પહોંચી અને ત્યાંની સ્થિતિની સમીક્ષા કરી. સફદરજંગ હોસ્પિટલના ઈમર્જન્સી સામે પહોંચતાં જ એક એમ્બ્યુલન્સ જાેવા મળી, જેમાં સૂતેલા દર્દીની સ્થિતિ ગંભીર હતી. રડી-રડીને પરિવારના લોકોની હાલત ખરાબ હતી. તેમણે જણાવ્યું હતું કે 'અમે દર્દીને દાખલ કરાવવા માગીએ છીએ, પરંતુ દાખલ કરવામાં નથી આવતા, ઊલટાનું સિક્યોરિટી ગાર્ડે અમારી સાથે મારામારી કરી.'

દર્દીની સાથે આવેલા લોકોએ ઈજાનાં નિશાન પણ બતાવ્યાં. અંતે મીડિયાના હસ્તક્ષેપ પછી દર્દીને કોઈ રીતે દાખલ કરવામાં આવ્યો છે. આ માત્ર એક જ કેસ છે, જેમાં દર્દીને જેમતેમ કરીને બેડ મળી ગયો, પરંતુ એમ્બ્યુલન્સ કે ખાનગી વાહનોમાં દર્દીઓ સતત આવી રહ્યા હતા અને તેમને પાછા વાળવામાં આવતા હતા. દર્દીના પરિવારના લોકો સાથે મારપીટના આરોપ અંગે અમે ત્યાં તહેનાત સિક્યોરિટી ગાડ્‌ર્સને પૂછ્યું, ત્યારે તેમણે નામ ન છાપવાની શરતે જણાવ્યું કે 'સફદરજંગ હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડનાં તમામ બેડ ફુલ થઈ ગયાં છે. કોરોના વોર્ડ પણ ફુલ છે, પરંતુ દર્દીઓનો આવવાનો સિલસિલો યથાવત્‌ છે. બેડ નથી, દર્દીને રોકવા જતાં તેની સાથે આવેલા લોકો માથાકૂટ કરે છે. બાકી મારામારી જેવી કોઈ વાત જ નથી.'

નજીક ઊભેલા વધુ એક સિક્યોરિટી ગાર્ડ કહે છે, જેટલો ડર આ વખતે લાગ્યો છે એટલો ડર ક્યારેય નથી લાગ્યો. હોસ્પિટલના સ્ટાફના જ કેટલાક લોકોની અંદરોઅંદરની વાતોથી અમને ખ્યાલ આવ્યો કે કેટલાક ડોકટરની પણ દર્દીના પરિવારના લોકો સાથે દલીલો થઈ છે. આ ઉપરાંત મહિલા વોર્ડમાં દાખલ ૧૭ પેશન્ટને કોવિડ પોઝિટિવ આવ્યા બાદ ડોકટર્સમાં પણ અફરાતફરી જાેવા મળી છે.

આ અંગે અમે કોવિડ મેનેજમેન્ટના વિશેષજ્ઞ અને એઇમ્સમાં પ્રોફેસર ડોકટર અંજન ત્રિખા સાથે વાત કરી. તેઓ જણાવે છે, 'કોરોના જે ગતિએ વધી રહ્યો છે એને કારણે આગામી ૧૫ દિવસ વધુ મુશ્કેલભર્યા બની શકે છે. દરેક લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. કોરોનાની દવાઓની કોઈ જ અછત નથી, પરંતુ દર્દીઓની સંખ્યા ઘણી જ વધારે હોવાથી બેડ મળવામાં મુશ્કેલી જરૂરથી પડી રહી છે.'

વાતચીતમાં ડોકટર ત્રિખા માને છે કે સતત કામ કરવાને કારણે ડોકટર હવે ધૈર્ય ગુમાવી રહ્યા છે. એક સિનિયર રેસિડેન્ટે નામ ન છાપવાની શરતે કહ્યું હતું કે 'ડોકટર ઘણા જ પ્રેશર હેઠળ છે. ત્યારે તેમણે સંયમ રાખવાની ઘણી જ જરૂર છે.'એઇમ્સ પ્રબંધન કોરોના સામે લડાઈ લડી રહ્યો છે. એવામાં હોસ્પિટલની સામાન્ય ર્ંઁડ્ઢને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ઈમર્જન્સીમાં માત્ર કોરોનાના દર્દીઓને જ દાખલ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દેશના ખૂણેખૂણેથી ગંભીર બીમારીઓની સારવાર માટે એઇમ્સ આવતા લોકોને કહેવામાં આવે છે કે હાલ તેમની સારવાર કે ઓપીડી સંભવ નથી, કેમ કે હાલ સમગ્ર ધ્યાન કોરોના પર જ છે.

એઇમ્સની બહાર ફૂટપાથ અને અંડરબ્રિજની નીચે સેંકડો લોકો એ રાહમાં બેઠા છે કે ઓપીડી ખૂલતાં ડોકટરને તેઓ મળી શકશે. આ લોકો સાથે વાત કરતાં ખ્યાલ આવ્યો કે ગામડે પરત ફરે તો ખર્ચ પણ વધશે અને ફરી એઇમ્સમાં ક્યારે નંબર લાગે એનો પણ ખ્યાલ નથી. તેથી તેઓ રાહ જાેઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદથી આવેલા દીપકના બે નાના દીકરાઓને કેન્સર છે. દીપક જણાવે છે કે 'તે ઘણા લાંબા સમયથી અહીં જ રહે છે, જેથી તેમનો ઈલાજ થઈ શકે, પરંતુ હવે એઇમ્સના ડોકટરોનું કહેવું છે કે કોરોના સિવાય હાલ કોઈ અન્ય બીમારીઓના જ ઈલાજ નહીં થાય.