ભાવનગર,ભાવનગરના તળાજા રોડ પર ટોપ થ્રી સર્કલ નજીક રહેતા એક શ્રમજીવી પરિવારની સગીર વયની માનસિક અસ્વસ્થ પુત્રીને ચોકલેટ તથા બિસ્કીટની લાલચ આપી ઇકો કારમાં ઉઠાવી જઇ ત્રણ શખ્સોએ ગેંગરેપ કર્યાની નોંધાવાયેલી ફરિયાદનો આજે માત્ર બાવન દિવસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં પોલીસે પણ સમય સુચકતા વાપરી માત્ર ૨૪ કલાકમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરના ટોપ થ્રી સર્કલ નજીક રહેતા એક શ્રમજીવી પરિવારની માનસિક રીતે અસ્વસ્થ સગીરાને મનસુખ ભોપાભાઇ સોલંકી નામનો શખ્સ ચોકલેટ તથા વેફરની લાલચ આપી લઇ ગયો હતો અને કાળિયાબીડ ભગવતી સર્કલ પાસેથી તેને ઇકો કારમાં બેસાડી અલંગ તરફ રવાના થયેલ જ્યાં રસ્તામાંથી તેના બે મિત્રો સંજય સનાભાઇ મકવાણા તથા મુસ્તુફા આઇનુલહક શેખ નામના શખ્સોને સાથે લીધેલ. દરમિયાન થોડે દુર જતા જ સગીરા સાથે ત્રણેયે વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ અલંગ પહોંચતા પોલીસની પકડમાં આવી ગયા હતાં. આ અંગેની જાણ તેના પરિવારને કરાતા સગીરાની માતાએ ૧૩ ફેબ્રુઆરીના રોજ ત્રણેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો તથા ૩૭૬ સહિત કલમો નોંધી ફરિયાદ દાખલ કરી આરોપીઓને ઝડપી લઇ માત્ર ૨૪ કલાકમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સગીરા પર ગેંગરેપ થયાનો આ કેસ સેન્સેટીવ માની અદાલતે કેસ ઝડપી ચલાવવાનો ર્નિણય કરેલ જેમાં માત્ર બાવન દિવસમાં ૧૨ મુદતોમાં જ ચુકાદા સુધી પહોંચી ગઇ હતી. આ દરમિયાન સગીરા માનસિક રીતે અસ્વસ્થ હોય સાયકોલોજી ડોક્ટરોની પણ સલાહ લઇ જુબાની અને મેડિકલ સર્ટીફીકેટ લેવાયા હતાં. ફોરેન્સિક સાઇન્સ લેબોરેટરીના રિપોર્ટ માટે ઝડપી કામગીરી કરી માત્ર પાંચ દિવસમાં રિપોર્ટ પણ મેળવેલ અને કેસ દરમિયાન મૌખિક ૨૬ તથા દસ્તાવેજી ૭૨ પુરાવાઓ અદાલતે ગ્રાહ્ય રાખ્યા હતાં.મૌખિક જુબાની આપવા આવેલા લોકોએ પણ આરોપીઓ સામે ફીટકાર વરસાવ્યો હતો અને હિંમતપૂર્વક જુબાની આપી કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી હતી. દરમિયાન સરકારી વકીલ ભરત વોરા, મનોજ જાેષી તથા ધ્રુવ મહેતાની દલિલો, આધાર-પુરાવા ગ્રાહ્ય રાખી ભાવનગરના ત્રીજા એડિશનલ એન્ડ સેસન્સ જજ ઝંખનાબેન ત્રિવેદીએ સમાજમાં દાખલો બેસાડવા માટે ત્રણેય શખ્સોને કસુરવાર ઠેરવી જીવે ત્યાં સુધીની જેલની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત સગીરાને વળતર પેટે રૂા.૬ લાખ આપવાનો હુકમ પણ કર્યો હતો. ચુકાદા દરમિયાન કોર્ટ પરિસરમાં એ.એસ.પી. સફીન હસન સહિત મસમોટો પોલીસ કાફલો બંદોબસ્તમાં જાેડાયો હતો.