વડોદરા, તા.૬

કોરોનાગ્રસ્ત મહિલા દર્દીની સારવારમાં બેદરકારી દાખવી હોવાથી મોત થયું હોવાના મામલે હોબાળાનો બીજાે એક બનાવ વાઘોડિયા રોડ સ્થિત કેર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં બન્યો હતો. હોસ્પિટલમાં ૧૪ દિવસથી સારવાર લઈ રહેલા દર્દી સાથે છેલ્લા બે દિવસથી વાત કરાવવામાં આવતી નથી. જાે દર્દી સાથે વાત કરવી હોય તો બાકીના નાણાં ભરપાઈ કરવા માટે હોસ્પિટલના સંચાલકો દબાણ કરતા હોવાનો આરોપ પરીવારજનોએ આજે હોસ્પિટલની બહાર એકઠા થઈ સૂત્રોચ્ચાર કરી લગાવ્યો હતો. અંતે દર્દીનું મોત થયું હતું.

વાડી જાંબડી કુઈ નારીયાવાડ ખાતે રહેતા લક્ષ્મીબેન પરમારના પુત્ર રણજીતે આ અંગે જણાવ્યું હતું કે મારી મમ્મીને શ્વાસની તકલીફ થતા કેર હોસ્પિટલમાં ૨૫મી માર્ચના રોજ દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન તેમનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું હોવાનું તબીબોએ જણાવી નીયમીત વિડીયોકોલથી વાત કરાવતા હતા. બે દિવસ અગાઉ હોસ્પિટલમાંથી મોડી રાત્રે દોઢ વાગે મારી મમ્મીની તબીયત અચાનક ગંભીર થઈ ગઈ હોવાનો ફોન આવ્યો હતો અને અમને હોસ્પિટલે આવી જવા જણાવ્યું હતું. પરંતુ સ્થિતિ સારી છે એમ હોસ્પિટલના રીસેસ્પન કાઉન્ટર પરથી જણાવતા અમે જતા રહ્યા હતા. પરંતુ બાદમાં મારી મમ્મીના ફોન આવતા બંધ થઈ ગયા હતા. ફોનથી વાત કરવાનો પ્રયત્ન સફળ નહીં થતાં અમે મમ્મીની સ્થિતિ જાણવા હોસ્પિટલો સંપર્ક કરતા અમને સારવારની બાકી નીકળતી રકમ ભરી દેવા દબાણ કરવામાં આવતું હતું. જેની અમે તૈયારી દર્શાવી હતી. પરંતુ અને અમારા ખર્ચે પીપીઈ પહેરીને અમારી મમ્મીને જાેવા જવા દેવાના હોસ્પિટલના તબીબોએ ઈન્કાર કરતા અમને શંકા પડી હતી. પુત્રએ જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ જ અમારી મમ્મીને કાંઈ થઈ ગયું હતું. પરંતુ રૂપિયાની લાલચે હોસ્પિટલ સંચાલકોએ અમને જણાવ્યું ન હતું. અંતે આજે હોબાળા બાદ મારી મમ્મી લક્ષ્મીબેનને મરણ જાહેર કરતા મંગળવારે મોડી સાંજે એમની અંતિમક્રિયા કરી હતી.