વડોદરા,તા.૨૪  

વડોદરા મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર અને ભાજપના પ્રદેશ મંત્રી તથા ભૂતકાળમાં પાર્ટ ટાઈમ પ્રાધ્યાપકોને ફૂલ ટાઈમ કરવા માટે પ્રધાનના નામે નાણાં ઉઘરાવનાર અને વિવાદમાં આવેલ જીવરાજ ચૌહાણ વધુ એકવાર દલિત વિધવાની કરોડોની જમીન હડપ કરવાના આક્ષેપથી વિવાદમાં આવ્યા છે. આ કૌભાંડને લઈને રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે. પાદરા તાલુકાના ચાણસદના દલિત વિધવા રેવાબેન નટવરભાઈ પરમારની કરોડોની જમીન છૂટી કરવાના બહાને જીવરાજ ચૌહાણે પોતાના દીકરાના નામે લખાવી દીધી હતી.તેઓ સામે આવી બીજી અનેક જમીનો ગરીબ દલિતો પાસેથી પડાવી લીધાના આક્ષેપો પણ કરાઈ રહયા છે.જે જમીનો પોતાના અને નજીકના લોકોના નામે ચઢાવી દીધી હોવાનું ચર્ચાય છે.એમાં વડોદરા શહેરના સમા વિસ્તારમાં એક દલિત પરિવારની કરોડોની જમીન પણ પચાવી લીધાના આક્ષેપ થઇ રહયા છે.આવી મોકાની અને કિંમતી જમીનો પચાવી પાડવાને માટે ધાકધમકી અને સમાજ કલ્યાણની યોજનાઓની લાલચો અપાતી હોવાનું ચર્ચાય છે.આમાં પ્રદેશના અન્ય દલિત આગેવાનો અને ધર્મગુરુ શંભુનાથ ટુંડીયાના દબાણોથી એક આખેઆખું નેટવર્ક કામ કરી રહયા હોવાનું મનાય છે. બાબા સાહેબ આંબેડકરના સંવિધાનની રક્ષાની વાતો કરનારા ગરીબ ,દલિતો,વિધવાઓ,લાચારોની જમીનો પર ગેરકાયદેસર કબ્જો કરી મારી નાખવા સુધીની રીતરસમો અપનાવી સત્તાના જોરે રાતોરાત કરોડપતિ થવાના સ્વપ્નમાં રાશી રહયાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.તેઓએ ભૂતકાળમાં મંત્રી રમણલાલ વોરાના નામે કરોડો રૂપિયા બુધ્ધજીવીઓ પાસેથી ઉઘરાવ્યા હતા.પરંતુ રૂપિયા લઈને કામ કર્યું નહોતું.જેની ઓડિયો ફરતી થઇ હતી.