આણંદ, તા.૯ 

આંકલાવ તાલુકામાં આવેલાં મુજકુવા ગામમાં તાલુકા પંચાયત સભ્ય દ્વારા ૧૪મા નાણાપંચના કામોમાં ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે તાલુકા તંત્ર અને જિલ્લા તંત્ર અનેક વખત લેખિત ફરિયાદ આપવા છતાં પણ અધિકારીઓ આ બાબતે યોગ્ય કાર્યવાહી ન કરતાં આખરે મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે.

આંકલાવ તાલુકાના મુજકુવા ગામમાં તાલુકા પંચાયત સભ્ય ડાયાભાઈ હરમાનભાઈ પઢીયાર દ્વારા ૧૪મા નાણાપંચના કામોમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરીને તાલુકા અને જિલ્લા તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી. જાેકે, આ બાબતે સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવાતાં આખરે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં તાલુકા પંચાયત સભ્ય ડાયાભાઈ પઢીયાર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગામમાં થયેલાં ૧૪મા નાણાપંચના કામોમાં સરકારના નિયમો અને ધારાધોરણને એક કોરાણે મૂકી દેવામાં આવ્યાં છે. જે સ્થળ પર કામ કરવાનું હતું તે સ્થળ પડતું મૂકીને અન્ય લાગતાં-વળગતાં લોકોના વિસ્તારમાં કામ કરવામાં આવ્યા છે. આ બાબતે જિલ્લા તંત્ર અને તાલુકા તંત્રમાં અનેક વખત લેખિત રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં પણ અધિકારીઓ દ્વારા સરપંચ અને તલાટીને મુશ્કેલી ન પડે તે માટે કોઈ યોગ્ય નિર્ણય લેતાં નથી અને કંઈ કહેતાં નથી. સ્થાનિક અધિકારીઓ દ્વારા આ બાબતે મગનું નામ મરી પણ પાડવા તૈયાર નથી.

તાલુકા પંચાયત સભ્ય દ્વારા આ બાબતે લેખિતમાં સીએમને રજૂઆત કરી ગામના સરપંચ તલાટી અને સ્થાનિક અધિકારીઓને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યાં છે.