અમદાવાદ, છેલ્લા ૯ વર્ષમાં ગુજરાત રાજ્યમાં ૧૦થી પણ વધુ પરીક્ષાના પેપર ફુટતા હોય અને જાણે મુખ્યમંત્રીની પેપર ફોડો યોજના ચાલતી હોય તે સમયે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ તા. ૧૦મી ઓક્ટોબર ૨૦૨૧ના રોજ લેવાયેલ સબઓડીટર અને સબએકાઉન્ટ વર્ગ-૩ની પરીક્ષામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ હોય તેવી આશંકા વ્યક્ત કરતા યુવા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, તા.૯મી ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ૨૦થી વધુ પરીક્ષાર્થીઓને ધોળકાની એક સુરભી સોસાયટી, નડીયાદના એક સનદી અધિકારીના બંગલામાં ભેગા કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ વસુલવામાં આવી હતી.સમગ્ર ગેરરીતિની પ્રક્રિયા તે હાલમાં બનેલ હેડકલાર્ક પરીક્ષા પેપર પ્રક્રિયા પ્રમાણે જ છે. જે મોડસ ઓપરન્ડીથી હેડકલાર્કની પરીક્ષામાં સાબરકાંઠાના ફાર્મહાઉસમાં વિદ્યાર્થી અને પરીક્ષાર્થીઓને ભેગા કરવામાં આવ્યા હતા તેજ પ્રમાણે સબઓડીટરની પરીક્ષા અને સબએકાઉન્ટ વર્ગ-૩ની પરીક્ષાના વિદ્યાર્થીઓ અને યુવાનોને નડીયાદના એક સનદી અધિકારીના બંગલે, સુરભી સોસાયટી, ધોળકા ખાતે ભેગા કરવામાં આવ્યાં હતાં. તા.૧૨-૧૦-૨૦૨૧ના રોજ માત્ર છેતરપીંડીની ફરીયાદ કરી અને ક્યાંકને ક્યાંક તે સમયે પણ પેપર ફુટ્યુ હોય તે ઘટનાને સંતાડવામાં આવી રહી હોય તેવુ લાગી રહ્યું છે. આ ઘટનાની તા.૭-૧૨-૨૦૨૧ના રોજ ચાર્જશીટમાં બીજા નંબરના ફરાર આરોપીનું જે નામ છે વિનોદભાઈ રમેશભાઈ સોલંકી જે પોતે ભાજપ શાસિત રાણપુર તાલુકા પંચાયતના હાલના પ્રમુખ છે.ભાજપના આ નેતાના ખુબ મોટા નેતાઓ જાેડેના ફોટોગ્રાફ્સ પણ છે. ત્યારે આ ઘટનાને જાેઈ પહેલી નજરે એ સ્પષ્ટ લાગે કે સરકારના અધિકારીઓ અને ભાજપના નેતાઓની મીલીભગત ક્યાંકને ક્યાંક સામે આવી રહી છે. આ સમગ્ર પેપરકાંડમાં શું એ જ સુર્યા ઓફસેટમાં પેપર છપાયા હતા. જ્યા હાલમાં હેડકલાર્કનું પેપર ફુટ્યું હતું? શું આ પેપરકાંડમાં મોટા માથા સંડોવાયેલા છે? શું આ બન્ને પેપરકાંડની વચ્ચે કોઈપણ જાતના સંબંધો છે? આ પ્રકારના પ્રશ્નો રાજ્યના હજારો યુવાનોના મનમાં ઉદભવે છે. કોંગ્રેસપક્ષની માંગણી છે કે, આ પેપરકાંડમાં સંડોવાયેલા આરોપીની હાલના હેડકલાર્કના અને ભૂતકાળના સબઓડીટરની પરીક્ષા વચ્ચે શું સંબંધ છે તેની પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ થઈ જાેઈએ. પરીક્ષાનું પેપર ફુટ્યુ હોય તો તેના મુળમાં જવામાં આવે અને મુળ આરોપીઓને પકડવામાં આવે તથા જે પરીક્ષાર્થીઓએ પેપર ખરીદીને પરીક્ષા આપી હોય તેમના ઉપર કડક પગલા લેવામાં આવે જેથી કરીને જે હોશીયાર અને લાયક ઉમેદવારો છે તેમને સાચો ન્યાય મળી શકે.